‘Don’t Forget 2008’: ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીનો મામલો સામે આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યની DGP ઓફિસને મળેલા ધમકીભર્યા ઈમેઈલમાં ગાંધીનગર સ્થિત DGP ઓફિસ, કલેક્ટર કચેરી, એક મંદિર અને રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે. ઈમેઈલમાં ‘2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાનના નામે અજાણ્યા શખસ દ્વારા આ ઈમેઈલ મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
‘Don’t Forget 2008’: સાબરમતી સહિત રાજ્યની જેલોમાં તપાસ

ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની વિવિધ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટની જેલોમાં પોલીસની ટીમો તપાસ માટે પહોંચી છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી શંકાસ્પદ સ્થળોની તપાસ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈમેઈલમાં પાકિસ્તાન જિંદાબાદ, ખાલિસ્તાન જિંદાબાદ અને અલ્લાહુ અકબર જેવા શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
‘Don’t Forget 2008’: અગાઉ સ્કૂલો અને દિલજીતના કોન્સર્ટને પણ મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદની અનેક સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ અને વિદ્યા ભારતી સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તથા આંબાવાડીની સી.એન. વિદ્યાલય સહિત આઠ સ્કૂલોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને પણ ધમકી આપવામાં આવી હતી. વારંવાર મળતી આવી ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે, હાલની ધમકીના ઈમેઈલની સત્યતા અને તેની પાછળ કોણ છે તે અંગે તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: LICની જીવન ઉત્સવ પોલિસી: માત્ર 5 વર્ષ પ્રીમિયમ ભરો અને જીવનભર મેળવો આવક

