₹3,300 CRORE MLA: મુંબઈના ઘાટકોપર પૂર્વના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કરોડોની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય ભિખારીના વેશમાં ઘાટકોપરના રસ્તાઓ અને રેલવે સ્ટેશન આસપાસ ફરતા જોવા મળી રહ્યા છે. તેઓ સામાન્ય લોકો પાસેથી મદદ માંગતા અને રસ્તા પર બેસીને સમય પસાર કરતા નજરે પડે છે.
2024ની વિધાનસભા ચૂંટણીના સોગંદનામા મુજબ પરાગ શાહ પાસે ₹3,383 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, શાહે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ રાજકીય પ્રચાર કે ચૂંટણી કાર્યક્રમનો ભાગ નહોતો.

₹3,300 CRORE MLA: મેકઅપ કરી બદલી નાખ્યો આખો હુલિયો

પરાગ શાહે મેકઅપ અને વેશભૂષાની મદદથી પોતાનો દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેમણે ગંદા-મેલા કપડાં પહેર્યા, હાથમાં ઝાડુ અને એક ઝોલો લીધો અને સામાન્ય ભિખારીની જેમ રસ્તા પર નીકળી પડ્યા.
ત્યારબાદ તેઓ રેલવે સ્ટેશન પર જમીન પર બેસી ગયા. હાથમાં લાકડી લઈને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો. ખાસ વાત એ હતી કે આસપાસના લોકોમાંથી મોટાભાગના લોકો તેમને ઓળખી શક્યા નહોતા.
કોઈએ મદદ કરી, તો કોઈએ કરી અવગણના

વીડિયોમાં પરાગ શાહ એક મહિલા પોલીસકર્મી પાસે ખાવાનું માંગતા જોવા મળે છે, જોકે તેમને ત્યાંથી મદદ મળી નહોતી. ત્યારબાદ તેઓ એક દુકાન પર પહોંચ્યા, જ્યાં તેમને કંઈક ખાવા મળ્યું. શાહે રસ્તા કિનારે બેસીને તે ખાધું.
આ દરમિયાન એક વ્યક્તિએ તેમને પોતાના ચશ્મા પણ આપ્યા હતા. ચશ્મા મળ્યા બાદ પરાગ શાહે માથું નમાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૈન મુનિની પ્રેરણાથી કર્યો પ્રયોગ

પરાગ શાહના જણાવ્યા મુજબ આ પ્રયોગ પાછળ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણા હતી. આ પ્રયોગ દ્વારા વૈભવ, સંપત્તિ અને ઓળખ વગરનું જીવન કેવું હોય છે તેનો અનુભવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નમ્રમુનિ મહારાજે પોતાના સંબોધનમાં વ્યક્તિની ઓળખ ઘણીવાર તેના વૈભવ અને સામાજિક સ્થિતિ સાથે જોડાયેલી હોવાની વાત કરી હતી. આ વિચારથી પ્રેરાઈને પરાગ શાહે સામાન્ય વ્યક્તિની જેમ લોકો વચ્ચે જઈને વાસ્તવિકતાનો અનુભવ કરવાનો નિર્ણય લીધો હતો.
“વૈભવ વગર ઓળખ કેટલી બદલાઈ જાય છે”

આ પ્રયોગ દરમિયાન શાહે અનુભવ્યું કે જ્યારે વ્યક્તિની પાસે તેની સંપત્તિ, હોદ્દો અને ઓળખ દર્શાવતી કોઈ વસ્તુ ન હોય ત્યારે લોકોનો વ્યવહાર પણ બદલાઈ શકે છે.
કેટલાક લોકોએ તેમની મદદ કરી, જ્યારે કેટલાક લોકો તેમની પાસેથી પસાર થઈ ગયા. શાહે આ અનુભવના માધ્યમથી ગરીબી, ઉપેક્ષા અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સમાજના વ્યવહારને સમજવાનો પ્રયાસ કર્યો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વલ્લભીપુર અને બોરસદમાં 6-6 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 7 સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

