Gujarat Weather Alert: ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ રેડ વોર્નિંગ આપવામાં આવી છે.
Gujarat Weather Alert: અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 48 કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદના સ્પેલની શક્યતા છે.

Gujarat Weather Alert: દરિયાકાંઠે પવનની ઝડપ વધવાની શક્યતા

દરિયામાં પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાઈ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં મેઘરાજાનું જોર વધ્યું, 4 વરસાદી સિસ્ટમ સક્રિય

