Ahmedabad Couple Missing in Nepal: નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી કુદરતી આફત અને પૂર વચ્ચે અમદાવાદના મૂળ વતની અને હાલ ન્યૂઝીલેન્ડમાં રહેતા પટેલ દંપતીના ગુમ થવાના સમાચારથી પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. મિહિર પટેલ અને તેમની પત્ની કિન્નરી પટેલ કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. છેલ્લા ચાર દિવસથી બંનેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મિહિરના મોટા ભાઈ ઉત્પલ પટેલે આશંકા વ્યક્ત કરી છે કે, બંને નેપાળમાં ક્યાંક ફસાયા હોઈ શકે છે.
Ahmedabad Couple Missing in Nepal: 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા

ઉત્પલ પટેલના જણાવ્યા મુજબ, મિહિર અને કિન્નરી છેલ્લા 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહે છે. બંને 21 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. સિંગાપુર પહોંચ્યા ત્યારે પરિવાર સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ 21 ઓગસ્ટની રાત્રે બંને કાઠમંડુ પહોંચ્યા હતા. 22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન તેઓ કાઠમંડુમાં રોકાયા હતા.
Ahmedabad Couple Missing in Nepal: 70 લોકોના ગ્રુપ સાથે તિમુરે બોર્ડર તરફ ગયા
25 ઓગસ્ટે મિહિર અને કિન્નરી સહિત આશરે 70 લોકોનું ગ્રુપ તિમુરે બોર્ડર તરફ રવાના થયું હતું. આ યાત્રા દરમિયાન તમામ લોકો એક સાથે હતા. 26 ઓગસ્ટે વહેલી સવારે મિહિર સાથે વોટ્સએપ મેસેજથી સંપર્ક થયો હતો. સવારે 4:51 વાગ્યે થયેલા આ છેલ્લા સંપર્કમાં મિહિરે જણાવ્યું હતું કે તેઓ ઇમિગ્રેશન માટે બોર્ડર તરફ જઈ રહ્યા છે.
Ahmedabad Couple Missing in Nepal: ચાઈનીઝ ઈમિગ્રેશન બિલ્ડિંગમાં હતા

પરિવારના જણાવ્યા પ્રમાણે, 26 ઓગસ્ટે જ્યારે નેપાળમાં આફતની સ્થિતિ સર્જાઈ ત્યારે મિહિર અને કિન્નરીનું ગ્રુપ ચાઈનીઝ ઈમિગ્રેશનની બિલ્ડિંગમાં હતું. ત્યારબાદથી બંને સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારજનો ફોન, વોટ્સએપ સહિત અન્ય માધ્યમોથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
Ahmedabad Couple Missing in Nepal: ટ્રાવેલ્સ કંપની પાસેથી પણ માહિતી મેળવાઈ રહી છે
ઉત્પલ પટેલે જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટે બપોરના સમયે મીડિયા મારફતે નેપાળની ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા મિહિર અને કિન્નરીનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા મારફતે તેમની ટ્રાવેલ્સ ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો છે. યાત્રામાં સામેલ ટ્રાવેલ્સના ગ્રુપમાં પણ પરિવારને સમયાંતરે અપડેટ આપવામાં આવી રહ્યા છે, પરંતુ છેલ્લા ચાર દિવસથી બંને અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
Ahmedabad Couple Missing in Nepal: ન્યૂઝીલેન્ડમાં બે સંતાનો, માતા-પિતા માટે ચિંતિત

મિહિર પટેલના બે સંતાનો છે અને બંને હાલમાં ન્યૂઝીલેન્ડમાં છે. મોટો પુત્ર 23 વર્ષનો છે અને મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે બીજો પુત્ર ન્યૂઝીલેન્ડમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. માતા-પિતા સાથે સંપર્ક તૂટતાં બંને સંતાનો અને પરિવારજનોની ચિંતા સતત વધી રહી છે.
Ahmedabad Couple Missing in Nepal: મિહિર વર્ષ 2001 સુધી મણિનગરમાં રહેતા હતા
ઉત્પલ પટેલના જણાવ્યા મુજબ, મિહિર વર્ષ 2001 સુધી અમદાવાદના મણિનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા હતા. પરિવારની રચના અંગે તેમણે જણાવ્યું હતું કે, પરિવારમાં ત્રણ બહેનો અને બે ભાઈઓ છે. બે બહેનો અમદાવાદમાં રહે છે, જ્યારે એક બહેન અમેરિકામાં રહે છે.
હાલ પરિવારજનોની એક જ આશા છે કે મિહિર અને કિન્નરી નેપાળમાં સુરક્ષિત હોય અને વહેલી તકે તેમનો સંપર્ક થઈ શકે. પરિવાર દ્વારા ટ્રાવેલ્સ ગ્રુપ, સોશિયલ મીડિયા અને ઉપલબ્ધ અન્ય માધ્યમોના આધારે બંનેની શોધખોળ અને સંપર્કના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઘરે વપરાતી હિંગ નકલી નીકળી, એવરેસ્ટ અને લાલજી ગોધૂની હિંગના વેચાણ પર પ્રતિબંધ, FSSAIની મોટી કાર્યવાહી; ગરમ મસાલા અને ચિકન મસાલામાં પણ ગડબડ મળી

