HomeAhmedabadNEET PG Exam: રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની મોડી પહોંચતા શરૂઆતમાં એન્ટ્રી ન...

NEET PG Exam: રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની મોડી પહોંચતા શરૂઆતમાં એન્ટ્રી ન મળી; માતા રડતાં-રડતાં બેભાન થઈ, બાદમાં સંચાલક દ્વારા પ્રવેશ અપાયો

NEET PG Exam: દેશભરમાં આજે NEET PGની પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાતમાં અંદાજે 15 હજાર ઉમેદવારો, જ્યારે દેશભરમાં આશરે 2.73 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટમાં ચાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મીય યુનિવર્સિટી અને મેટોડા સહિતના કેન્દ્રો પર મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા.

દરમિયાન રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થિની મોડી પહોંચતા શરૂઆતમાં તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. પુત્રીને પરીક્ષામાં પ્રવેશ ન મળતા તેની માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. થોડા સમય બાદ તેઓ બેભાન થઈ જતા પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો મચી ગયો હતો. જોકે બાદમાં સંચાલક દ્વારા વિદ્યાર્થિનીને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

NEET PG Exam: અમદાવાદમાં ત્રણ ઉમેદવાર મોડા પહોંચ્યા

NEET PG Exam

બીજી તરફ અમદાવાદના સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે પણ ત્રણ ઉમેદવારો મોડા પહોંચ્યા હતા. જેના કારણે તેઓ પરીક્ષા આપી શક્યા નહોતા. આ ત્રણમાંથી બે ઉમેદવારો બોટાદથી અને એક ઉમેદવાર જૂનાગઢથી અમદાવાદ પરીક્ષા આપવા આવ્યો હતો.

પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

NEET PG Exam:  ‘મારો દીકરો છેલ્લા 5 વર્ષથી તૈયારી કરે છે’

ધોરાજીથી આવેલા વાલી જગદીશ ધુલિયાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર છેલ્લા પાંચ વર્ષથી NEET PGની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા એક-બે પરીક્ષાઓમાં બનેલી કેટલીક ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ પર અસર પડી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આજની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને વિદ્યાર્થીઓ પોતાના ધ્યેય સુધી પહોંચી શકે.

NEET PG Exam:  ‘મારા પતિ MD બનવા માંગે છે’

NEET PG Exam

ડૉ. સૃષ્ટિ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમના પતિ ફિલિપાઇન્સથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ છે અને તેઓ NEET PGની પરીક્ષા આપી રહ્યા છે. તેમના પતિ MD બનવા માંગે છે અને તેઓ તેમના હાર્ડવર્કને સતત સપોર્ટ કરી રહ્યાં છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના પતિ પરીક્ષામાં સફળ થશે.

NEET PG Exam:  ‘મારી દીકરી MD અથવા ગાયનેકોલોજિસ્ટ બનવા માંગે છે’

અન્ય વાલી અનિલ ગરાળાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી આત્મીય યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપવા આવી છે. તેણે છેલ્લા દોઢ વર્ષથી સારી તૈયારી કરી છે અને તેને સારા માર્ક્સ આવશે તેવો વિશ્વાસ છે. ભવિષ્યમાં તેમની દીકરી MD અથવા ગાયનેકોલોજિસ્ટ બનવા માંગે છે.

NEET PG Exam: અમદાવાદમાં 16 સેન્ટર, 4 હજારથી વધુ ઉમેદવારો

અમદાવાદમાં NEET PG પરીક્ષા માટે કુલ 16 સેન્ટર બનાવવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર અંદાજે 100થી 250 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં અંદાજે 4 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.

વહેલી સવારથી જ ઉમેદવારો સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે. યુનિવર્સિટી સહિતના કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા શરૂ કરવામાં આવી હતી.

NEET PG Exam: રાજ્યમાં 50 સેન્ટર પર 15 હજાર ઉમેદવારો

NEET PG Exam

ગુજરાતમાં કુલ 50 પરીક્ષા કેન્દ્રો પર NEET PGનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ વખતે ઉમેદવારોને કુલ 180 MCQ પ્રશ્નો આપવામાં આવ્યા છે. દરેક સાચા જવાબ માટે 4 માર્ક્સ અને ખોટા જવાબ માટે 1 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ છે.

પ્રશ્નપત્ર કુલ 720 માર્ક્સનું છે. પેપરને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક વિભાગમાં 36 પ્રશ્નો માટે 42 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.

NEET PG Exam: બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ પ્રવેશ

પરીક્ષામાં ગેરરીતિ અને ડમી ઉમેદવારોને રોકવા માટે આ વખતે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક રાખવામાં આવી છે. ઉમેદવારોનું આધાર આધારિત ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ફિંગરપ્રિન્ટથી ઓથેન્ટિકેશન ન થાય તેવી સ્થિતિમાં આઇરિસ આધારિત ચકાસણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઉમેદવારોના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી તથા ઓળખની પુષ્ટિ કર્યા બાદ તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

NEET PG Exam: MBBS બાદ PG અભ્યાસ માટે મહત્વની પરીક્ષા

NEET PG Exam

NEET PG ભારતમાં MBBS બાદ મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટેની રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા National Board of Examinations in Medical Sciences (NBEMS) દ્વારા લેવામાં આવે છે. ઉમેદવાર માટે માન્ય MBBS ડિગ્રી, મેડિકલ રજીસ્ટ્રેશન અને ફરજિયાત રોટેટરી ઇન્ટર્નશિપ જેવી લાયકાત જરૂરી હોય છે.

વિદેશમાંથી MBBS કરનારા ઉમેદવારો માટે લાગુ નિયમો અનુસાર જરૂરી લાયકાત અને પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.

NEET PG Exam: સારો રેન્ક મેળવવાથી MD, MS અને DNBમાં તક

NEET PGમાં સારો રેન્ક મેળવનારા ઉમેદવારોને મેરિટ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા દ્વારા વિવિધ મેડિકલ સંસ્થાઓમાં MD, MS અને DNB જેવા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મેળવવાની તક મળે છે. PG ડિગ્રી બાદ ડોક્ટરો માટે મેડિકલ ક્ષેત્રમાં વધુ વિશેષતા મેળવવાના માર્ગ ખુલ્લા થાય છે અને આગળ સુપર-સ્પેશિયાલાઇઝેશન તરફ આગળ વધવાની તક મળે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા મિહિર અને કિન્નરી પટેલનો 26 ઓગસ્ટની વહેલી સવારે છેલ્લો સંપર્ક થયો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments