End the Dispute: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને બેંકો વચ્ચે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલા વિવાદને લઈને બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કોમર્શિયલ વિવાદને હવે સમાપ્ત કરી દેવો જોઈએ, કારણ કે લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદની દેશની અર્થવ્યવસ્થા પર સીધી અને નકારાત્મક અસર પડી રહી છે. આ સાથે જ હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી તપાસની વર્તમાન સ્થિતિ અને જપ્ત કરાયેલી સંપત્તિઓની વિગતો પણ માગી છે.
End the Dispute: ‘વ્યવહારિક સમાધાન તરફ આગળ વધો’

જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ જજ બેન્ચે વિજય માલ્યાની અરજી પર સુનાવણી કરતા આ અવલોકન કર્યું હતું. કોર્ટે જણાવ્યું કે જો બંને પક્ષો આ વિવાદને આટલેથી જ અટકાવીને આગળ નહીં વધે, તો તેનાથી આર્થિક હિતોને નુકસાન ચાલુ રહેશે. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે આવા કોમર્શિયલ વિવાદોનો ઉકેલ ઘણીવાર ખુદ વિવાદોની અંદર જ છુપાયેલો હોય છે. પક્ષોએ પરસ્પર કાનૂની ગૂંચવણોમાં અટવાઈ રહેવાને બદલે કોઈ વ્યવહારિક અને પ્રાયોગિક સમાધાન (પ્રેક્ટિકલ સોલ્યુશન) તરફ આગળ વધવું જોઈએ, જેથી લગભગ એક દાયકા જૂના આ મામલાને તાર્કિક અંત સુધી પહોંચાડી શકાય.
૭૦ વર્ષીય વિજય માલ્યાએ પોતાની અરજીમાં જપ્ત કરાયેલી સંપત્તિઓને બેંકોને સોંપવાના આદેશને પડકાર્યો હતો અને તેને અયોગ્ય ગણાવ્યો હતો.
End the Dispute: PMLA કોર્ટના આદેશને આપવામાં આવ્યો છે પડકાર
વર્ષ ૨૦૨૦માં વિજય માલ્યાએ વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ વિશેષ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમને ED દ્વારા જપ્ત કરાયેલી માલ્યાની સંપત્તિઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. માલ્યા પર તેની બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સ (KFA) માટે વિવિધ બેંકો પાસેથી લીધેલી અંદાજે રૂ. ૯,૦૦૦ કરોડની લોનના ડિફોલ્ટનો ગંભીર આરોપ છે.
End the Dispute: માર્ચ ૨૦૧૬થી દેશ છોડીને ભાગેડુ છે માલ્યા

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા માર્ચ ૨૦૧૬માં ભારત છોડીને યુકે (બ્રિટન) ભાગી ગયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં સત્તાવાળાઓએ તેને ‘ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ’ (FEOA) હેઠળ સત્તાવાર રીતે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. આ કાયદા હેઠળ સરકારને તેની દેશ-વિદેશની સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. ભારત સરકાર હાલ તેને યુકેથી પરત લાવવા (પ્રત્યાર્પણ માટે) સતત પ્રયાસો કરી રહી છે.
End the Dispute: કોર્ટની શરતો અને કાનૂની લડાઈ
આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી માલ્યા ભારત પરત ફરીને અદાલતના અધિકારક્ષેત્રમાં શરણાગતિ સ્વીકારતો નથી, ત્યાં સુધી તેની અન્ય અરજીઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે નહીં.
બીજી બાજુ, માલ્યાના વકીલ સિનિયર એડવોકેટ અમિત દેસાઈએ સુપ્રીમ કોર્ટના પૂર્વ નિર્ણયોનો હવાલો આપતા રજૂઆત કરી હતી કે ઇંગ્લેન્ડની અદાલતોના પ્રતિબંધોને કારણે માલ્યા હાલ ભારત પરત ફરવા અંગે અનિશ્ચિત છે, તેથી તેની ગેરહાજરીમાં પણ બંધારણીય અદાલતો રિટ અરજીઓ પર નિર્ણય આપી શકે છે.
હાઈકોર્ટે હવે આ મામલે ED પાસે જપ્ત થયેલી સંપત્તિઓની વિગતો માંગી છે ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં શું નવું વળાંક આવે છે તે જોવું રહ્યું.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મહિસાગર જિલ્લામાં વરસાદ બન્યો આફત: વીરપુરના ખાટા ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા રમી રહેલા બે માસૂમ બાળકોના મોત

