Surat Tragedy: શ્રાવણ માસના પ્રારંભે સુરત શહેરમાં એક કરુણ ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક રહેતા 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરા છેલ્લા બે દિવસથી ગુમ હતા. પરિવારજનો બંનેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આજે, 13 ઓગસ્ટની સવારે રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે બંને મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતાં ઉધના પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Surat Tragedy:બંને છેલ્લા બે દિવસથી ગુમ હતા

પ્રાથમિક માહિતી મુજબ, 24 વર્ષીય યુવક મૂળ દાહોદનો વતની હતો અને રોજગાર માટે આશરે દોઢ મહિના પહેલાં સુરત આવ્યો હતો. તે મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોલીસ તપાસમાં યુવકના અગાઉ બે લગ્ન થયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
બીજી તરફ 16 વર્ષીય સગીરા પણ મજૂરીકામ સાથે જોડાયેલી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી બંને એકસાથે કામે જતા હતા. આ દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંનેના સંબંધ અંગે તેમને અગાઉ કોઈ જાણકારી નહોતી.
Surat Tragedy:પરિવારજનો કરી રહ્યા હતા શોધખોળ
બંને એકસાથે ગુમ થતાં તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. છેલ્લા બે દિવસથી પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારો ઉપરાંત અન્ય સ્થળોએ પણ તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી.
સગીરાના ભાઈએ જણાવ્યું કે તેની બહેન બે દિવસથી ગુમ હતી. પરિવારજનો સતત તેની શોધ કરી રહ્યા હતા. માતા-પિતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વતન મોકલવામાં આવ્યા હતા. તેઓ ગામડે પહોંચ્યા બાદ જ સવારે આ દુઃખદ ઘટનાની જાણ થઈ હતી.
યુવકના ભાઈએ પણ જણાવ્યું કે તેનો નાનો ભાઈ છેલ્લા બે-ત્રણ દિવસથી ગુમ હતો અને પરિવારજનો તેની શોધ કરી રહ્યા હતા. સવારે બંને અંગે દુઃખદ સમાચાર મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
Surat Tragedy:ઘરથી આશરે 500 મીટર દૂર ઘટના

પ્રાથમિક માહિતી પ્રમાણે, બંને જે વિસ્તારમાં રહેતા હતા ત્યાંથી આશરે 500 મીટરના અંતરે રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે આ ઘટના બની હતી. સવારે સ્થાનિક લોકોને બંને અંગે જાણ થતાં સ્થળ પર લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં ઉધના પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળની તપાસ કરી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં કારણ સામે આવશે
હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બંને છેલ્લા બે દિવસથી ક્યાં હતા, તેઓ કયા સંજોગોમાં ત્યાં પહોંચ્યા અને આ ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના અન્ય તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. ખાસ કરીને સગીરાના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર મામલે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો :શિવભક્તો માટે શ્રાવણ માસ રુદ્રાક્ષ ધારણ કરવા શાંતિ, આત્મબળ અને શુભતા

