Cyber Fraud Exposed: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક ખેડૂત સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેસબુક પર મિત્રતા કેળવીને મોંઘીદાટ ગિફ્ટ મોકલવાના બહાને આફ્રિકન મૂળના શખ્સોએ ખેડૂત પાસેથી ₹૬,૩૧,૦૦૦ પડાવી લીધા છે. આ કેસમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી અને નોઈડાથી આફ્રિકન યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Cyber Fraud Exposed: ઠગાઈની આખી મોડસ ઓપરેન્ડી:
- ફેસબુક ફ્રેન્ડશિપ: જસદણના ખેડૂતે ‘Mary M Samuelf’ નામના ફેસબુક આઈડી પરથી આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી.
- ભાવનાત્મક વાતો અને AI નો ઉપયોગ: આરોપી યુવતીએ પોતાને વિધવા અને એક દીકરાની માતા હોવાની ઓળખ આપી હતી. ખાસ વાત એ છે કે, આફ્રિકન નાગરિક હોવા છતાં તે ખેડૂત સાથે હિન્દીમાં વાતચીત કરવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટૂલ્સનો ઉપયોગ કરતી હતી.
- જર્મનીથી ગિફ્ટનું પ્રલોભન: વોટ્સએપ પર ચેટ શરૂ થયા બાદ યુવતીએ (જેનું સાચું નામ જોસેફાઈન ઉર્ફે એન્જલ છે) જર્મનીથી ખેડૂત અને તેના પરિવાર માટે વિશેષ ગિફ્ટ મોકલ્યાનું જણાવ્યું હતું.
- એરપોર્ટના નામે પઠાણી ઉઘરાણી: ટોળકીના અન્ય સભ્યોએ દિલ્હી એરપોર્ટના કર્મચારી બનીને ખેડૂતને ફોન કર્યા અને ગિફ્ટ ખૂબ મોંઘી હોવાથી તેને કસ્ટમ્સમાંથી છોડાવવા માટે વિવિધ ટેક્સ અને ચાર્જના નામે ટુકડે-ટુકડે કુલ ₹૬,૩૧,૦૩૧ પડાવી લીધા. ખેડૂતને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
Cyber Fraud Exposed: પોલીસની શાનદાર કામગીરી: દિલ્હી-નોઈડાથી પર્દાફાશ
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, મોબાઈલ નંબરો, વોટ્સએપ ચેટ, બેંક ટ્રાન્ઝેક્શન અને IP લોગ્સનું ટેકનિકલ એનાલિસિસ કરીને દિલ્હી અને ગ્રેટર નોઈડા સુધી તપાસના તાર લંબાવ્યા હતા.
પોલીસે સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે:
- મુખ્ય મહિલા આરોપી: મૂળ ઘાનાની રહેવાસી.
- બે પુરૂષ આરોપીઓ: તાન્ઝાનિયા અને સુદાનના નાગરિકો.
આરોપીઓએ આ ગુનાખોરી માટે કુલ ૧૫ અલગ-અલગ બેંક ખાતા નો ઉપયોગ કર્યો હતો, જે તમામ ખાતાઓને ફ્રીઝ કરવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી દીધી છે.
Cyber Fraud Exposed: નવો ખુલાસો: ભારતમાં જ કાયમી વસવાટ કરવાની નવી ચાલ
પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે વિદેશી નાગરિકો ભારતમાં વિઝા પર આવ્યા બાદ જાણી જોઈને આવા ગુનાઓને અંજામ આપે છે. જેથી કોર્ટમાં કેસ અને કાનૂની પ્રક્રિયા લાંબી ચાલે અને તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં જ રોકાઈ રહેવાની તક મેળવી શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સેન્સેક્સમાં ૩૭૪ પોઈન્ટનો ઉછાળો, જ્યુનિપર ગ્રીન એનર્જીનું શાનદાર લિસ્ટિંગ