Dhanteras Shopping : ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે સોના-ચાંદીની ખરીદી માટે બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં ગ્રાહકો માટે ખરીદીની તક ઊભી થઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 3,106 રૂપિયા ઘટીને આશરે 1.41 લાખ રૂપિયા થયો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 5,437 રૂપિયાનો ઘટાડો નોંધાતાં ભાવ આશરે 1.81 લાખ રૂપિયા પર પહોંચ્યા છે. આ પહેલાં સોનું 1.44 લાખ રૂપિયા અને ચાંદી 1.87 લાખ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે હતી. આ વર્ષે ચાંદીના ભાવમાં કુલ 49 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવાયું છે.

Dhanteras Shopping : ભાવ ઘટતાં ખરીદદારોમાં ઉત્સાહ
સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની અસર ધનતેરસની ખરીદી પર જોવા મળી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની અવરજવર વધી છે. લોકો પરંપરા મુજબ સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ, સોનાની લગડી અને સિક્કાની ખરીદી કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.
Dhanteras Shopping : યુવાનોમાં રોઝ ગોલ્ડ અને બ્રેસલેટની પસંદગી
રાજકોટના યુવા ગ્રાહકોમાં રોઝ ગોલ્ડના દાગીના અને બ્રેસલેટની વિશેષ પસંદગી જોવા મળી રહી છે. આધુનિક ડિઝાઇનના દાગીના ખરીદવા તરફ યુવાનોનો ઝુકાવ વધી રહ્યો છે. બીજી તરફ, લાંબા ગાળાના રોકાણને ધ્યાનમાં રાખીને કેટલાક ગ્રાહકો સોનાના સિક્કા અને લગડી ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે. આમ, પરંપરાગત ઘરેણાંની સાથે રોકાણલક્ષી ખરીદીનું પ્રમાણ પણ મહત્વનું બની રહ્યું છે.

Dhanteras Shopping : સુરતમાં એડવાન્સ બુકિંગ સાથે આયોજનબદ્ધ ખરીદી
સુરતમાં પણ ધનતેરસ નિમિત્તે સોનાની ખરીદી માટે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે કેટલાક ગ્રાહકો માત્ર ટોકન પૂરતી ખરીદી કરવાને બદલે અગાઉથી આયોજન કરીને દાગીનાનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. ખરીદી કરવા પહોંચેલા ગ્રાહક શિવાની નીરજ નાનાવાલાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે સોનાના ભાવ ખૂબ ઊંચા હોવાથી માત્ર ટોકન પૂરતી ખરીદી કરી હતી. જોકે, આ વખતે ભાવમાં ઘટાડો થતાં વધુ વ્યવસ્થિત રીતે ખરીદી કરી છે. સાથે જ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખરીદીનું આયોજન કર્યું છે.
ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવતી હોવાથી ભાવમાં ઘટાડાએ ગ્રાહકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. હવે તહેવાર દરમિયાન જ્વેલરી બજારમાં ખરીદીનો માહોલ કેવો રહે છે તેના પર વેપારીઓની નજર રહેશે.
આ પણ વાંચો :ધોળકાના બદેરખા ગામમાં ચોમાસા બાદ પણ પાણીનો ભરાવો; વરસાદ બંધ થયા છતાં ગામના રસ્તાઓ પર પાણી યથાવત્

