Navsari Flooded: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા પર મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 7 જુલાઈની મોડી રાત સુધીમાં વરસેલા અવિરત 16 ઈંચ જેટલા ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર એટલે કે 27 ફૂટે વહેતી થતાં નવસારી શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું છે. આકાશી નજારો જોતાં સમગ્ર શહેર એક ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યમાન થાય છે.
પૂરની આ ગંભીર પરિસ્થિતિને જોતાં વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ 2000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવું પડ્યું છે.

Navsari Flooded: ભેંસતખાડા અને કાશીવાડીમાં પૂરની તારાજી: ઘરોમાં 7 થી 9 ફૂટ પાણી
- ભેંસતખાડા (150 ઘરો પાણીમાં ગરકાવ): શહેરના નીચાણવાળા વિસ્તાર ભેંસતખાડામાં પૂરના 6થી 7 ફૂટ પાણી ઘૂસી જતાં લોકો હોનારતનો ભોગ બન્યા છે. ગઈકાલે બપોરથી જ લોકોએ સાવચેતી વાપરીને કિંમતી ઘરવખરી માળિયા પર ચડાવી દીધી હતી, તેમ છતાં પાણીનું સ્તર એટલું ઊંચું હતું કે ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં અને અનાજ પલળી જતાં ભારે નુકસાન થયું છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા લોકોને સમયસર ‘ધીમ્મર સમાજની વાડી’માં આશ્રય અપાયો હતો. દરિયામાં ભરતીના કારણે અહીં પાણી ઓસરવાની ગતિ ધીમી છે.
- કાશીવાડી (9 ફૂટ સુધી પૂરના પાણી): કાશીવાડી વિસ્તારમાં પૂર્ણાના પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 8થી 9 ફૂટ જેટલા પાણી ફરી વળતાં 300થી વધુ પરિવારોને રાતોરાત ઘર છોડી ભાગવું પડ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો માંડ-માંડ બચ્યા છે. અહીં રોજિંદી ચીજવસ્તુઓ અને અનાજ પલળી જતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પાયમાલ થઈ ગયા છે.

Navsari Flooded: “એકવાર ખીચડી આપી પછી કોઈ ડોકાયું નથી” – તંત્ર સામે જનઆક્રોશ
પૂરની આ કપરી સ્થિતિ વચ્ચે કાશીવાડીના સ્થાનિકોમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, “આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાલિકાએ માત્ર એકવાર ખીચડી ખાવા આપી, ત્યાર પછી કોઈ ડોકાયું પણ નથી!” આટલી મોટી આપત્તિમાં પણ કોઈ અધિકારી વહારે આવ્યા નથી કે નથી પૂરતા ફૂડ પેકેજની વ્યવસ્થા કરવામાં આવી. જો કે, વહેલી સવારથી પૂર્ણા નદીનું જળસ્તર ઘટતાં લોકો ઘરો તરફ પરત ફરી રહ્યા છે, પણ હજુ 4 ફૂટ પાણી હોવાથી મુશ્કેલીઓ યથાવત છે.
Navsari Flooded: નવસારીમાં ‘રેડ એલર્ટ’: તંત્ર એલર્ટ મોડમાં
હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લાને ‘રેડ એલર્ટ’ પર રાખવામાં આવ્યો છે, જેને પગલે નાગરિકોમાં ચિંતાનો માહોલ છે. જો ઉપરવાસમાં ફરી ભારે વરસાદ ખાબકશે, તો નવસારીની સ્થિતિ વધુ વણસી શકે છે. હાલમાં મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક હોવાનો દાવો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે મેઘરાજા ખમૈયા કરે છે કે ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




