Vadodara Shocker: શહેરમાં વડોદરા મહાનગરપાલિકા (VMC)ની બેદરકારી અને કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા પાલિકાની ડોર-ટુ-ડોર કચરો કલેક્ટ કરતી એક ગાડીએ ગોત્રીથી સેવાસી જવાના માર્ગ પર નાયરા પેટ્રોલ પંપ પાસે ભયાનક અકસ્માત સર્જ્યો હતો.
મળતી માહિતી મુજબ, VMCની કચરાની ગાડી ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને અચાનક રોડ પરનું ડિવાઈડર કૂદાવીને સામેની સાઈડથી આવી રહેલી એક કાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Vadodara Shocker: ચાલક નશામાં હોવાનો આક્ષેપ, ગાડીમાંથી મળી દારૂની પોટલી

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, કચરાની ગાડીનો ચાલક ફૂલ નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. એટલું જ નહીં, અકસ્માત બાદ જ્યારે VMCની ગાડીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી ગાડીમાંથી દારૂ મળતા પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.
Vadodara Shocker: રોડ પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે ગોત્રી-સેવાસી રોડ પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં, જેના કારણે રોડની બંને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની સાથે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઉદ્યોગો માટે મોટી રાહત, કેન્દ્ર સરકારે LNG સપ્લાય પરનો પ્રતિબંધ હટાવ્યો, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ થતાં લીધો મોટો નિર્ણય




