Liquor Den Inside Secret Basement: શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા પોલીસને થાપ આપવા માટે અવનવા કીમિયા અજમાવવામાં આવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાઘોડિયા રોડ પરથી સામે આવ્યો છે, જ્યાં બુટલેગરોએ પોતાના રહેણાંક મકાનમાં જ એક ગુપ્ત ભોંયરું (Underground Secret Cellar) બનાવી દીધું હતું અને ત્યાંથી દારૂનું નેટવર્ક ચલાવતા હતા. જોકે, એલ.સી.બી. (LCB) ઝોન-3ની ટીમે બાતમીના આધારે આ હાઇટેક રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે.
Liquor Den Inside Secret Basement: જાનકી ડુપ્લેક્ષના મકાનમાં દરોડો: 17 બ્રાન્ડની 322 બોટલ જપ્ત
એલ.સી.બી. ઝોન-3ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી જાનકી ડુપ્લેક્ષ સોસાયટીના એક મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સોસાયટીના મકાન નંબર એ/11 માં દરોડો પાડ્યો હતો.
મકાનની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ઘરમાં જ એક ગુપ્ત ભોંયરું બનાવવામાં આવ્યું હતું. આ ભોંયરાની અંદર તપાસ કરતા પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ 17 નામાંકિત બ્રાન્ડની કુલ 322 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. 3,26,884 ની કિંમતનો આ તમામ દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે.
Liquor Den Inside Secret Basement: એક આરોપીની ધરપકડ, મુખ્ય સપ્લાયર ફરાર
પોલીસ કાર્યવાહી દરમિયાન મકાનમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેની વિગત નીચે મુજબ છે:
- પકડાયેલ આરોપી: શૈલેષભાઈ શંકરભાઈ કહાર (ઉં.વ. 48, રહે. એ/11, જાનકી ડુપ્લેક્ષ સોસાયટી, વાઘોડિયા રોડ)
ધરપકડ કરાયેલા શૈલેષ કહારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક પાછળ આજવા રોડનો એક મોટો બુટલેગર સંડોવાયેલો છે.
- વોન્ટેડ આરોપી (મુખ્ય સપ્લાયર): ચેતન ચંદુભાઈ કહાર (રેહ. સ્લમ ક્વાર્ટર્સ, નાલંદા પાણીની ટાંકી પાસે, આજવા રોડ)
Liquor Den Inside Secret Basement: પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
પકડાયેલા આરોપી શૈલેષ કહાર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુપ્ત ભોંયરામાં દારૂ ક્યાંથી આવતો હતો અને શહેરમાં કોને-કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જ્યારે ફરાર મુખ્ય આરોપી ચેતન કહારને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જામનગરમાં તંગદિલી: ગોવાળ મસ્જિદ નજીક તાજીયાને ઓટો રિક્ષાએ ટક્કર મારતા હોબાળો, ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને ઝૂડ્યો, રિક્ષામાં તોડફોડ




