Tragedy in Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં આવેલી એક બે માળની બિલ્ડિંગમાં બપોરે આશરે ૨:૧૫ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના નિર્દોષ વિદ્યાર્થીઓ સામેલ છે. સુરતના કુખ્યાત તક્ષશીલા અગ્નિકાંડની યાદ અપાવતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Tragedy in Lucknow: જીવ બચાવવા બાથરૂમમાં છુપાયા, ધુમાડાએ લીધો ભોગ
બિલ્ડિંગના બીજા માળ પર ‘લર્નિંગ સ્પેસ’ નામની લાઇબ્રેરી (કોચિંગ) અને ‘હેડ હોપર સ્ટુડિયો’ (૩D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગ કંપની) કાર્યરત હતા. આગ લાગતાં જ બિલ્ડિંગમાં ભારે ધુમાડો ભરાઈ ગયો હતો. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતાં એનિમેશન કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ જીવ બચાવવા પોતાને બાથરૂમમાં બંધ કરી લીધા હતા, પરંતુ ભારે ધુમાડાના કારણે તેઓ ગૂંગળાઈ ગયા હતા. એક વિદ્યાર્થીએ પ્રથમ માળ પરથી નીચે કૂદકો મારીને બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીચે લોખંડની ગ્રીલ પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો છે.

Tragedy in Lucknow: યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન, દીવાલ તોડી મૃતદેહો બહાર કઢાયા
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૧૦ ગાડીઓ, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, તેમજ SDRF અને NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે ધુમાડા વચ્ચે ફાયર ફાઈટરો ઓક્સિજન માસ્ક પહેરીને બિલ્ડિંગની અંદર દાખલ થયા હતા. અંદર જવા માટે પૂરતો રસ્તો ન હોવાથી રેસ્ક્યૂ ટીમે નજીકના મકાનની અને બિલ્ડિંગની પાછળની દીવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને મૃતદેહો તેમજ ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે ઘટનાસ્થળે ૧૪ જેટલી એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી.

Tragedy in Lucknow: પ્રત્યક્ષદર્શીની આપવીતી: “તાર પકડીને નીચે ઉતર્યો”
કોચિંગ સેન્ટરમાં કામ કરતા મોહમ્મદ આસિને જણાવ્યું કે, “અમે લંચ કરીને કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઈએ ઓફિસ ખાલી કરવા કહ્યું. અમે કંઈ સમજીએ તે પહેલાં જ રૂમોમાં કાળો ધુમાડો ભરાઈ ગયો. હું ઉપરના માળેથી વાયર (તાર) પકડીને કોઈક રીતે નીચે ઉતર્યો હતો.” જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પેટ શોપના કર્મચારીએ જણાવ્યું કે, બહાર વીજળીના થાંભલામાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ઉપર તરફ ફેલાઈ ગઈ હતી.

Tragedy in Lucknow: ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક મીડિયા સામે રડી પડ્યા
ઘટનાસ્થળે પહોંચેલા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પરિસ્થિતિ જોઈને અત્યંત ભાવુક થઈ ગયા હતા અને મીડિયા સાથે વાતચીત કરતી વખતે રડી પડ્યા હતા. તેમણે આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવીને કહ્યું કે, “ભારે ધુમાડાના કારણે બાળકો બહાર નીકળી શક્યા ન હતા. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે અને જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

Tragedy in Lucknow: સીએમ યોગી અલીગઢનો પ્રવાસ અધવચ્ચે છોડી લખનઉ રવાના
દુર્ઘટના સમયે અલીગઢમાં જનસભાને સંબોધિત કરી રહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે માહિતી મળતા જ પોતાનો પ્રવાસ અધવચ્ચે જ રદ કર્યો હતો. તેમણે જાહેર મંચ પરથી દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “મને લખનઉની આ દુઃખદ ઘટનાની માહિતી મળી છે, જેમાં કેટલાક બાળકોના મોત થયા છે. તંત્ર રાહત કામગીરીમાં લાગેલું છે અને હું તાત્કાલિક લખનઉ પરત ફરી રહ્યો છું.” સીએમ યોગીએ DGP અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજય પ્રસાદને તાત્કાલિક ઘટનાસ્થળે જઈને તપાસ અહેવાલ સોંપવા નિર્દેશ આપ્યા છે.

હાલમાં ફાયર અને રેસ્ક્યૂ વિભાગ દ્વારા બિલ્ડિંગના એક-એક રૂમ અને વોશરૂમની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક આશંકા મુજબ, બેઝમેન્ટમાં રાખેલા ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ભયાનક આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




