No More Trips to Gandhinagar: રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ ઝડપી અને સમયસર નિકાલ થાય તે માટે ગુજરાતના પોલીસ વડા (DGP) શ્રી જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. હવેથી પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI સુધીના તમામ અધિકારીઓએ દરરોજ ફરજિયાત બે કલાક નાગરિરોને સાંભળવા પડશે.
આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ લોકાભિમુખ બનાવવાનો અને અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો માટે છેક ગાંધીનગર DGP કચેરી કે સચિવાલય સુધી લાંબા ન થવું પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાનો છે.
No More Trips to Gandhinagar: કયા અધિકારી કયા સમયે હાજર રહેશે?
નવા આદેશ અનુસાર અધિકારીઓ માટે લોકદરબારનો સમય નીચે મુજબ નક્કી કરવામાં આવ્યો છે:
- ઉચ્ચ પોલીસ અધિકારીઓ (CP, સંયુક્ત/અધિક/નાયબ/મદદનીશ કમિશનર, રેન્જ વડા અને SP): દરરોજ સવારે ૧૨:૦૦ થી ૧૪:૦૦ કલાક (બપોરે ૧૨ થી ૨) દરમિયાન ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળશે. જો મુખ્ય અધિકારી હાજર ન હોય, તો સિનિયર અધિકારી અથવા રીડરે અરજી મેળવી અગ્રતાના ધોરણે ધ્યાન પર લાવવાની રહેશે.
- પોલીસ સ્ટેશનના થાણા અમલદારો (PI / PSI): સામાન્ય રીતે સવારે કોર્ટની કામગીરી કે તપાસમાં વ્યસ્ત રહેતા હોવાથી, તેઓએ દરરોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહી નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળવાની રહેશે.
No More Trips to Gandhinagar: અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા

DGP મલિકે અરજીઓ ઘૂંચવાયેલી ન રહે તે માટે ચોક્કસ ટાઈમલાઈન જાહેર કરી છે:
- ૧૫ દિવસમાં નિકાલ: સામાન્ય પ્રકારની તમામ અરજીઓનો મહત્તમ ૧૫ દિવસમાં જ સ્થાનિક સ્તરે નિકાલ લાવવાનો રહેશે.
- ૬ અઠવાડિયામાં નિકાલ: આર્થિક ગુનાઓ, વૈવાહિક કે પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ધરાવતી જટિલ અરજીઓનો નિકાલ ૬ અઠવાડિયામાં અચૂક કરવાનો રહેશે.
ગુનો જણાશે તો તરત જ FIR: અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ પણ સંજ્ઞેય (Cognizable) ગુનો બન્યો હોવાનું માલૂમ પડશે, તો પોલીસ સ્ટેશને તાત્કાલિક અસરથી FIR (પ્રથમ માહિતી અહેવાલ) નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવી પડશે.
No More Trips to Gandhinagar: વહીવટી પારદર્શિતા પર ભાર
આ નવીન વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક પોલીસ કચેરી અને સ્ટેશનમાં ખાસ રજિસ્ટર રાખવામાં આવશે, જેમાં મુલાકાત લેનાર દરેક અરજદારની વિગતો નોંધાશે. DGP દ્વારા તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું અચૂકપણે અને સંપૂર્ણ તટસ્થતાથી પાલન કરવા માટે કડક આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પોલીસ તંત્ર પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મોટા વરાછામાં વાલીઓનો ઉગ્ર આક્રોશ, શાળા બદલવાના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠા




