Mega Crackdown in Gujarat: ૨૮ મે ૨૦૨૬ના રોજ ગાંધીનગરના સોનીપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવાનો હુંકાર કર્યો હતો. આ જાહેરાતના બરાબર પાંચમા દિવસે, એટલે કે ૨ જૂનના રોજ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પોલીસની ટીમોએ વ્યાપક દરોડા પાડ્યા છે.
Mega Crackdown in Gujarat: અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી: 166 બાંગ્લાદેશીઓની પુષ્ટિ

અમદાવાદ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને SOGની સંયુક્ત ટીમોએ ગત રાત્રે શહેરના પૂર્વ વિસ્તારોમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે અંદાજે ૩૦૦ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી, જેમાંથી તપાસ દરમિયાન ૧૬૬ લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. બાકીના ૧૬૦ લોકોની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી હજુ ચાલુ છે.
પોલીસ કમિશનર જી.એસ. મલિકના જણાવ્યા અનુસાર, પકડાયેલા ૧૬૬ બાંગ્લાદેશીઓમાં ૪૧ પુરુષો, ૯૫ મહિલાઓ અને ૩૦ બાળકો સામેલ છે. પોલીસ કમિશનરે પોતે ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસ પહોંચીને આ લોકોની પૂછપરછ કરી હતી કે તેઓ ક્યારે અને કયા એજન્ટ મારફતે બોર્ડર ક્રોસ કરીને અહીં આવ્યા હતા.
Mega Crackdown in Gujarat: કમાણી વાયા કોલકાતા બાંગ્લાદેશ મોકલાતી હતી

પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહીને આ લોકો જે પણ કમાણી કરતા હતા, તે પૈસા આંગડિયા મારફતે પહેલા કોલકાતા મોકલતા હતા અને ત્યાંથી બાંગ્લાદેશ ટ્રાન્સફર થતા હતા. આ સિવાય કેટલીક મોબાઈલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને પણ નાણાં બાંગ્લાદેશ મોકલવામાં આવતા હોવાનું ખૂલ્યું છે.
Mega Crackdown in Gujarat: ઓળખ બદલીને અલગ-અલગ વિસ્તારોમાં છુપાયા હતા ઘૂસણખોરો
અગાઉ પોલીસની કાર્યવાહી મુખ્યત્વે ચંડોળા તળાવ વિસ્તાર સુધી સીમિત રહેતી હતી. જેથી આ વખતે ઘૂસણખોરોએ પોતાની પેટર્ન બદલી હતી. તેઓ એક જ જગ્યાએ રહેવાનું ટાળીને વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને હોટલોમાં ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા. આથી પોલીસે ગઈકાલે આ તમામ વિસ્તારોને એકસાથે કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. એસ.પી. રિંગ રોડ પર તો પોલીસે શંકાસ્પદ રાહદારીઓને રોકીને સ્થળ પર જ તેમના આઈડી કાર્ડ અને આધાર કાર્ડ ચેક કર્યા હતા.
Mega Crackdown in Gujarat: ઓઢવના સ્પા સેન્ટરમાં ‘ફિલ્મી દ્રશ્યો’: સંચાલક તાળું મારી ભાગ્યો, યુવતીઓ બારીમાંથી કૂદી
ઓઢવ વિસ્તારના ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં જ્યારે SOGની ટીમ તપાસ માટે પહોંચી ત્યારે સ્પા સેન્ટરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસને જોઈને એક સ્પા સંચાલક બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો, જ્યારે અંદર બાંગ્લાદેશી યુવતીઓ ફસાઈ ગઈ હતી. પોલીસે તાળું તોડવાનો પ્રયાસ કર્યો તે દરમિયાન અંદર રહેલી યુવતીઓ સ્પાની બારીમાંથી બહાર નીકળવા લાગી હતી. સ્થાનિક લોકોએ તેમને નીચે ઉતરવા માટે સીડી પણ ગોઠવી આપી હતી, જેના કારણે કેટલીક યુવતીઓ પોલીસ પકડથી ભાગવામાં સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. JCP શરદ સિંઘલે જણાવ્યું કે, પકડાયેલી મહિલાઓ મોટાભાગે સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે, જ્યારે પુરુષો છૂટક મજૂરી કરતા હતા.
ગયા વર્ષે પણ મોટું ઓપરેશન થયું હતું
JCP શરદ સિંઘલના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પણ એક મોટું ઓપરેશન કરીને ૪૬૫ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તે તમામ પાસેથી ભારતીય આધાર કાર્ડ મળી આવ્યા હતા. ગેરકાયદે દસ્તાવેજો બનાવી આપનારા એજન્ટોની શોધખોળ હાલ ચાલી રહી છે.
સુરત અને રાજકોટમાં પણ તપાસનો ધમધમાટ
- સુરત: એસઓજી પોલીસે લિબાયત, પાંડેસરા અને ભાઠેના સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને ૫૦થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે.
- રાજકોટ: શહેર પોલીસની ૧૦ ટીમોએ રાત્રે ૧ વાગ્યાથી જ ઓપરેશન શરૂ કર્યું હતું. ગૃહ વિભાગની યાદીના આધારે ૨૭૨ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મોટાભાગના લોકો વર્ક પરમિટ સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે, પરંતુ જેઓ દસ્તાવેજ નથી આપી શક્યા તેમની તપાસ ચાલુ છે. જો વિઝા કે જરૂરી ડોક્યુમેન્ટ નહીં મળે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે.
રાજકોટમાં અગાઉ થયેલી ડિપોર્ટની કાર્યવાહી

રાજકોટ શહેરમાં ૧ જૂન ૨૦store૫થી ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધીના છેલ્લા ૧૦ મહિનામાં કુલ ૩૮ બાંગ્લાદેશી નાગરિકો (૨૯ મહિલા, ૬ પુરુષ અને ૩ બાળકો)ને ઝડપીને ડિપોર્ટ (સ્વદેશ પરત મોકલવાની) કરવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સરહદી પંથકમાં કુદરતનો પ્રકોપ, વાવ-થરાદ અને ભાભરમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, વીજળી પડતાં અને શેડ ધરાશાયી થતાં ૩ ના મોત




