Justice Served: ગાંધીનગરના સેક્ટર-24 ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા ગંભીર દુષ્કર્મના કેસમાં કોર્ટે માત્ર સાડા પાંચ મહિનામાં જ સીમાચિહ્નરૂપ ચૂકાદો સંભળાવ્યો છે. અદાલતે નરાધમ આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા (આજીવન કારાવાસ) ફટકારી છે. કોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે આરોપી જેલમાં મૃત્યુ પામે ત્યારબાદ જ તેની લાશ પરિવારને સોંપવામાં આવે. આ સાથે પીડિતાને ₹10 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે.

Justice Served: 10 દિવસ પહેલાં રેકી કરીને આચર્યું હતું પાપ
ઘટનાની વિગતો અનુસાર, 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપી રામનીત યાદવે આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. આરોપી જ્યારે કરિયાણાની દુકાને આવતો ત્યારે તેની નજર બાળકી પર પડી હતી. તેણે 10 દિવસ અગાઉથી આખો પ્લાન તૈયાર કર્યો હતો. ઘટનાની રાત્રે ઘરમાં ઘૂસીને સૂતેલી માસૂમ બાળકીનું અપહરણ કરી નજીકની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

Justice Served: માસૂમ બાળકીની હિંમતે ખોલી નરાધમની પોલ
કૃત્ય આચર્યા બાદ નરાધમ બાળકીને મૃત સમજીને ભાગી ગયો હતો. થોડીવાર બાદ તે બાળકી જીવતી છે કે મરી ગઈ તે ચેક કરવા પાછો પણ આવ્યો હતો. પરંતુ બાળકીની હિંમત અને કુદરતી કરામતથી હોશમાં આવતા જ તે લથડતા પગે પોતાના પરિવાર પાસે પહોંચી ગઈ હતી, જેના કારણે આ નરાધમનો પર્દાફાશ થયો હતો.
Justice Served: બિહાર ભાગવાની ફિરાકમાં હતો, પોલીસે એન્કાઉન્ટર સ્ટાઈલમાં દબોચ્યો
- 5 દિવસમાં ધરપકડ: ગુનો આચરીને આરોપી પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો.
- પગમાં મારી ગોળી: પોલીસ જ્યારે આરોપીને ઘટનાસ્થળે ક્રાઇમ સીન રી-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આત્મરક્ષણમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી નરાધમના પગમાં વાગી હતી.
Justice Served: પોલીસે રાત-દિવસ એક કરી 13 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી
ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, અલગ-અલગ એજન્સીઓના સંકલન અને FSLની મદદથી મજબૂત વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસે રાત-દિવસ કામ કરીને માત્ર 13 જ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી, જેના પરિણામે આજે સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં નરાધમને તેના અંતિમ શ્વાસ સુધીની કડક સજા મળી શકી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




