Horrific Crime In Rajula: અમરેલી જિલ્લાના રાજુલામાં નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણના મનદુઃખમાં માનવતાને શરમાવે તેવી એક સનસનીખેજ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પીપાવાવ પોર્ટ ચોકડી નજીક એક યુવકનું જાહેરમાં અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોતાના વ્હાલસોયા પુત્રને બચાવવા વચ્ચે પડેલી સગા જનેતા પર નરાધમ આરોપીઓએ બેરહેમીથી કાર ચડાવી દઈ તેની હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ ધ્રુજી ઉઠે તેમ છે.

Horrific Crime In Rajula: પુત્રની વહારે આવેલી માતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત
મળતી માહિતી અનુસાર, આ લોહીયાળ ડ્રામા રાજુલાના પીપાવાવ પોર્ટ ચોકડી પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીક સર્જાયો હતો. અહીં પ્રેમ પ્રકરણની અદાવતમાં આરોપીઓએ ભાવેશ ભીલ નામના યુવકને જાહેરમાં આંતર્યો હતો અને તેનું બળજબરીપૂર્વક અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દ્રશ્ય જોઈને ભાવેશની ૫૦ વર્ષીય માતા જીતુબહેન ભીલ પોતાના જીવના જોખમે પુત્રને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી બચાવવા વચ્ચે પડ્યા હતા. જોકે, ક્રૂરતાની તમામ હદો વટાવી ચૂકેલા આરોપીઓએ જીતુબહેન પર કાર ચડાવી દીધી હતી. કારની જોરદાર ટક્કર અને ગંભીર ઈજાઓને કારણે જીતુબહેનનું ઘટનાસ્થળે જ કરુણ અને ચીતરી ચડી જાય તેવું મોત નીપજ્યું હતું.
Horrific Crime In Rajula: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને યુવકને મુક્ત કરાવ્યો
હાઈવે પર જાહેરમાં હત્યા અને અપહરણની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મરીન પીપાવાવ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને નાસી છૂટેલા અપહરણકર્તાઓનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આખરે પોલીસે કલાકોની જહેમત બાદ યુવક ભાવેશને આરોપીઓની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધો હતો.
Horrific Crime In Rajula: ૩ મહિલા સહિત ૭ આરોપીઓ પોલીસ સકંજામાં
આ મામલે મરીન પીપાવાવ પોલીસે કાયદાનો ધોકો પછાડતા કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં સામેલ કુલ ૯ આરોપીઓ વિરૂદ્ધ હત્યા (Murder) અને અપહરણ (Kidnapping) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ મહિલાઓ સહિત સાત આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ વધુ મજબૂત પુરાવા એકત્રિત કરી રહી છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ ઘાતકી હત્યા અને અપહરણની ઘટનાથી સમગ્ર રાજુલા પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




