Banaskantha news:બનાસકાંઠાના ભાભર પંથકમાં આજે પ્રેમ લગ્નના એક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રબારી યુવક સાથે લગ્ન કરનાર ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે યોજાયેલા મહાસંમેલન બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉણ ગામ પાસે ભારે બબાલ, તોડફોડ અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
Banaskantha news:શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નથી થઈ હતી. તે કિસ્સામાં રબારી સમાજની દીકરી પરત સોંપવામાં આવી હતી. હવે, ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો મામલો ગરમાયો છે. કંકુએ દોઢ-બે વર્ષ પહેલાં ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક સંતાન પણ છે. ચૌધરી સમાજ હવે આ દીકરીને પરત લાવવાની માંગ કરી રહ્યો છે.
Banaskantha news:સંમેલન બાદ હિંસક વળાંક

આજે ભાભરના રુણી ગામે આંજણા ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી હજારો લોકો ઉમટ્યા હતા. સંમેલન બાદ:
- તોડફોડ: ઉશ્કેરાયેલું ટોળું ઓગડના ઉણ ગામ પહોંચ્યું હતું, જ્યાં અનેક ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
- હાઈવે બ્લોક: આશરે 3 કિમી સુધી હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.
- પોલીસ કાફલો તૈનાત: ઘટનાની ગંભીરતા જોતા DySP અને PI સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
Banaskantha news:આગેવાનોનું અલ્ટીમેટમ

64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરીએ જણાવ્યું કે, “આગામી 5 દિવસમાં રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરી દીકરીને પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો દીકરી પરત નહીં આવે, તો પાંચ દિવસ બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.”
દીકરીની સોશિયલ મીડિયા પર અપીલ
બીજી તરફ, કંકુ ચૌધરીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે વિનંતી કરી હતી કે તેના સાસરી પક્ષ કે પરિવારમાં કોઈ વિખવાદ ન થાય અને તેને પોતાની મરજીથી રહેવા દેવામાં આવે. આમ છતાં, સમાજના આગેવાનો આ બાબતને ‘સમાજના સન્માન’ સાથે જોડી રહ્યા છે.
આ પણ વાંચો :ગુજરાત પર માવઠાંની ઘાત આજથી 3 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ભારે ફફડાટ




