ગુજરાતમાં રખડતાં શ્વાન નો આતંક વધ્યો છે .છેલ્લાં 3 વર્ષમાં 12.50 લાખ લોકોને રખડતાં શ્વાન કરડ્યા. વર્ષે 4 લાખ, મહિને 34,700, દરરોજ 1150 લોકોને શ્વાન કરડે છે. દર 5 મિનિટે 3 લોકોને રખડતાં શ્વાન કરડે છે. રખડતાં ઢોર અને તેમના માલિકો સામે તો તંત્ર એક્શન લે છે, પણ આનાથી મોટી સમસ્યા છે રખડતાં શ્વાનની. જેની સામે તંત્ર એક્શન નથી લઈ શકતું. આ જ કારણ છે કે આ સમસ્યા સતત વકરી રહી છે. ગામ હોય કે નગર, શહેર હોય કે મહાનગર, એવી કોઈ જગ્યા નથી, જ્યાં તમને રખડતાં શ્વાન જોવા નહીં મળે. આ શ્વાન રસ્તે જતાં લોકો માટે જોખમી પણ સાબિત થાય છે.. શ્વાન કરડવાના બનાવ રાજ્યમાં સામાન્ય બાબત છે. કેટલાકે તો જીવ પણ ગુમાવ્યા છે.
રખડતાં શ્વાનના આતંક સામે સામાન્ય નાગરિકો તો લાચાર છે જ, પણ અબજોપતિઓ પણ આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે. તાજેતરનો દાખલો વાઘ બકરી ચાના એમડી પરાગ દેસાઈનો છે. મોર્નિંગ વોક માટે નીકળેલા પરાગ દેસાઈનો રખડતા શ્વાને પીછો કરતાં તેઓ બચવા માટે દોડ્યા હતા. આ દરમિયાન રસ્તા પર લપસી જતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ, જે બ્રેઈન હેમરેજમાં પરિણમી અને જીવલેણ સાબિત થઈ.
તંત્ર માટે આ કિસ્સો શરમજનક છે. એક તરફ સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરાય છે અને બીજી તરફ જાહેર રસ્તા રખડતાં શ્વાનનો અડ્ડો બની ગયા છે. આ શ્વાન ગમે તેને કરડે છે, બાળકો પર જીવલેણ હુમલો કરે છે. પણ સંવેદનહીન બની ગયેલા શાસકોને લોકોના જીવની કોઈ પરવા નથી. કોઈ કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદને પોતાના મતવિસ્તારમાં રખડતાં શ્વાનની સમસ્યાની ચિંતા નથી. ગુજરાતમાં 3 વર્ષમાં શ્વાન કરડવાનાં 12 લાખ 50 હજાર કેસ નોંધાયા છે અને 9 બિઝનેસમેન પરાગ દેસાઈ સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉંમરલાયક લોકો માટે મોર્નિંગ વૉક પર નીકળવું દુઃસ્વપ્ન બની રહ્યું છે. સત્તાધીશોએ કાર્યવાહી કરવી જ જોઈએ. રખડતાં શ્વાનની સમસ્યા ફક્ત ગુજરાત નહીં પણ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. એક આંકડા પ્રમાણે દેશમાં દરરોજ સરેરાશ 11 હજાર લોકોને શ્વાન કરડે છે.
ગુજરાતની વાત કરીએ તો છેલ્લાં 3 વર્ષમાં 12 લાખ 50 હજાર લોકને રખડતાં શ્વાન કરડ્યા છે. એટલે કે દર વર્ષે 4 લાખ, દર મહિને 34 હજાર 700 અને દરરોજ 1150 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ હિસાબે દર 5 મિનિટે ગુજરાતમાં 3 લોકોને રખડતાં શ્વાન કરડે છે. આ આંકડા ચિંતાજનક છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ સ્થિતિ સારી નથી. શહેરમાં દર મહિને સરેરાશ 4 હજાર 800થી વધુ લોકોને શ્વાન કરડે છે. વર્ષ 2022માં શહેરમાં 58 હજાર લોકોને રખડતાં શ્વાન કરડ્યાં હતા. દર કલાકે શહેરમાં 6 લોકોને રખડતાં કૂતરાં કરડે છે. આવું એટલા માટે થાય છે કેમ કે શહેરમાં પોણા ચાર લાખથી વધુ રખડતાં શ્વાન છે.
સવાલ એ છે કે આ સમસ્યા સામે તંત્ર શું કરે છે. તો તેનો જવાબ એ છે કે તંત્ર રખડતાં શ્વાનને પકડે છે અને તેમની નસબંધી કરે છે. અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં રખડતાં શ્વાનની નસબંધી પાછળ મનપાએ 9 કરોડ 36 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલે કે દર વર્ષે સવા ત્રણ કરોડ રૂપિયા શ્વાનના ખસીકરણ પાછળ ખર્ચાય છે. તેમ છતા સમસ્યા ઠેરની ઠેર છે.
તંત્ર તો સંવેદનહીન છે જ, પણ આ સમસ્યા સામે એક્શન ન લઈ શકવાનું એક બીજું કારણ પણ છે. જીવદયાપ્રેમીઓના દંભને કારણે નિર્દોષ જનતાએ જીવ ગુમાવવો પડે છે. જીવદયાપ્રેમીઓને કારણે ન તો રખડતાં શ્વાનને પકડી શકાય છે કે ન તો જરૂર પડ્યે તેમને મારી શકાય છે. રખડતાં શ્વાન પર અત્યાર થાય ત્યારે જીવદયાપ્રેમીઓ મગરનાં આંસુ સારે છે, પણ રખડતાં શ્વાનને કારણે માણસો મરે ત્યારે જીવદયાપ્રેમીઓ મૂંગા રહે છે. જીવદયાપ્રેમીઓને રખડતા જીવોની ચિંતા હોય તો તેઓ તેમને દત્તક લઈ શકે છે. તેમના કારણે જ શ્વાનના આતંકને રોકવા કડક કાયદા નથી બની શકતા. તંત્ર નિષ્ક્રિય રહેવા માટે આ મજબૂરીનો ભરપૂર લાભ ઉઠાવે છે.
શિકારી પ્રાણીની જેમ બાળકો અને વૃદ્ધો પર તૂટી પડતાં શ્વાન સમાજ માટે જોખમી છે. હડકવાની બિમારીને કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. તેમ છતાં તંત્ર લાચાર છે, જનતા ભગવાન ભરોસે છે. રખડતાં શ્વાન શબ્દ ફક્ત ભારતમાં જ પ્રચલિત છે. મોટાભાગનાં દેશોમાં રખડતાં શ્વાન જોવા નથી મળતાં. વિદેશોમાં રખડતાં શ્વાનને મારી નાખવામાં આવે છે. વિદેશોમાં ફક્ત પાલતુ શ્વાન જ જોવા મળે છે. પાલતુ શ્વાન કરડે તો તેના માલિક સામે FIR અને વળતર માટે કેસ થાય છે.
જો કે ભારતમાં તો પાલતુ શ્વાનના કિસ્સામાં પણ કડક કાયદાનો અભાવ છે..ત્યારે સવાલ એ છે કે તંત્ર રખડતાં શ્વાનની સમસ્યાનો ઉકેલ કેમ નથી લાવી શકતું. લોકોને કેમ ભગવાન ભરોસે છોડી દેવાય છે. ક્યાં સુધી લોકો રખડતાં શ્વાનનો ભોગ બનતા રહેશે. શું લોકો આ માટે જ કરવેરા ચૂકવે છે. તંત્ર તો ઉંઘમાં છે, પણ લોકોએ તંત્રને જગાડવું પડશે, કેમ કે સવાલ તેમની જ સલામતીનો છે.