શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ- પોરબંદર અને ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનુ જતન અને સંવર્ધન કરતુ ” કલાતીર્થ”ના સંયુક્ત ઉપક્રમે કલાગંગોત્રી ગ્રંથ- 12 “ મહેરજાતિની લોકસંસ્કૃતિ અને કલાઓ” નું ભવ્ય લોકાર્પણ નવરાત્રીમાં પોરબંદર ખાતે મહેર સમાજના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ઇતિહાસવિદ્ નરોતમ પલાણના હસ્તે કરવામાં આવ્યુ. આ પ્રસંગે ભાતીગળ લોકસંસ્કૃતિથી ધબકતી ધરોહર સાચવતા મહેર સમાજના પાંચ હજાર કરતાં પણ વધુ દીકરા દીકરીઓ પરંપરાગત વસ્ત્રો સાથે રાસોત્સવ મા જોડાયા અને ભવ્ય રીતે ગ્રંથનું લોકાર્પણ કર્યું. મહેરજાતિની લોકસંસ્કૃતિ અને કલાઓ કલાગ્રંથ વિષે કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા જણાવે છે કે ગુજરાતની કલાસંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. ભારતની પશ્ચિમ દિશામાં આવેલા આ પ્રદેશમાં હડપ્પન સંસ્કૃતિના મહત્વના સ્થળો જેવા કે લોથલ અને ધોળાવીરાના નગર અવશેષો મળી આવ્યા છે તેથી આપણે કહી શકીએ કે ગુજરાતની કલા સંસ્કૃતિ 5,000 વર્ષ જૂની છે.
છેલ્લા સંશોધન પ્રમાણે લોથલમાં રંગકામ કરવાની માટીની કોઠી મળી આવી જેમાં કાપડના કેટલાક કટકા પણ હાથ લાગ્યા છે. વૈજ્ઞાનિક રીતે તેના પર સંશોધન દ્વારા સાબિત થયું છે કે ત્યારે પણ છાપકામ થતું હતું. આ ઉપરાંત મોતી બનાવવાની ફેક્ટરીના અવશેષો પણ મળી આવ્યા છે આ રીતે જોતા આ પ્રદેશમાં કલા કસબનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. આ જ રીતે આ પ્રદેશમાં અનેક જાતિઓ અને પ્રજાતિઓ આવીને વસી છે. જેમાં ખેતી કરતી કોમ વિશેષ છે. તેઓ પોતાના રૂઢિગત સંસ્કારો, રિવાજો, કલા- કસબ પણ પોતાની સાથે લાવ્યા છે અને આ રીતે ગુજરાતની ધરોહરને સતત વધુ ને વધુ સમૃદ્ધ બનાવતા ગયા છે. આ પ્રદેશમાં આવેલા.
દિન- પ્રતિદિન પૌરાણિક કલાઓ, પરંપરાગત સંસ્કૃતિઓ પરના આક્રમણો વધતાં રહ્યા છે, તેવા સમયે આવી વિશેષ જનજીવનની કલા સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ થાય તે આપણી જવાબદારી બને છે. ડૉ. સાધનાબેન ટાંકે “મહેરજાતિની લોક સંસ્કૃતિ અને કલાઓ” ઉપર ખૂબ જ ગહન અભ્યાસ કરીને પોતાના ઉચ્ચ અભ્યાસમાં સંશોધનાત્મક અભ્યાસ તરીકે મુખ્ય વિષય તરીકે ગણીને ખૂબ ઉમદા કામ કર્યું છે. એને દસ્તાવેજીકરણ રૂપે પ્રકાશિત કરવાનુ ઉમદાકાર્ય “કલાતીર્થ” દ્વારા કરવામાં આવ્યું છે. રમણીકભાઈ ઝાપડિયા આ ભવ્ય સંકૃતિ વિષે કહે છેકે આ ગ્રંથમાં મહેર જાતિના આવાસો અને રહેણી -કરણી, પરંપરાગત પહેરવેશ, ત્રાંજવા અને આભૂષણ, તહેવારો અને ઉત્સવો, રાસ અને રાસડા, ભાતીગળ લોકમેળા, અશ્ર્વો અને શસ્ત્રો, શોર્ય ગાથા ગાતા ખાંભી અને પાળિયા, પ્રગટ અમર આધાર સ્તંભો, મુખ્ય વ્યવસાયો, સાંસ્કૃતિક લોકકલા અને સ્થાપત્યો જેવા દસ્તાવેજો આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે.
રાણાવાવના સાહિત્ય સર્જક પોપટભાઈ ખુંટી અને પોરબંદરના ચિત્રકાર કરસન ઓડેદરાએ આ દસ્તાવેજીકરણમાં 298 સપ્તરંગી તસવીર સાથેનું મજબૂત ભાથું તૈયાર કરીને આપ્યું છે. આ કલાગ્રંથ આવનારા સમયમાં કલાક્ષેત્રે કાર્ય કરતી કલા સંસ્થાઓ, કલાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધન ક્ષેત્રે કામ કરનારા તજજ્ઞ ઈતિહાસ વિદ્, પુરાતત્વવિદ્, અને અભ્યાસુઓને ઉપયોગી બનશે . આ કલાગંગોત્રી ગ્રંથને પ્રમાણિત કર્યો છે એવા ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણ પોરબંદર, સાહિત્ય સર્જક અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. પ્રવીણ દરજી -લુણાવાડા. સુપ્રસિદ્ધ કલાવિવેચક અને શિક્ષણવિદ્ ડૉ. વિદ્યુત જોશીનો આભાર વ્યક્ત કરતા રમણીક ભાઈ કહે છેકે આ દસ્તાવેજી કરણમાં મહેર જ્ઞાતિના અનેક અગ્રણી મહાનુભાવો, માતાઓ, ભગિનીઓ એ સહકાર આપીને કાર્યને ઉજળું કરી બતાવ્યું છે. આ કલાગ્રંથ વિનામૂલ્યે દરેક કલાગ્રંથની જેમજ ગુજરાતના કલાજ્ઞાન મેળવતા ઈચ્છુક જિજ્ઞાસુઓને કલાકારોને અને અલગ અલગ યુનિવર્સીટીના પુસ્તકાલયમાં મોકલવામાં આવશે .