કચ્છનાં સફેદ રણનું ધોરડો બન્યું ‘ વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ ’

2
53
કચ્છનાં સફેદ રણનું ધોરડો બન્યું ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’
કચ્છનાં સફેદ રણનું ધોરડો બન્યું ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ૨૦૦૬થી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. આજે કચ્છ પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામ સ્વરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ એવોર્ડ ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’એવોર્ડથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે તા. ૧૯ ઓક્ટોબરના રોજ UNWTOના ઉપક્રમે યોજાયેલી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ-૨૦૨૩’ એવોર્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વર્ષ ૨૦૨૧થી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે. UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.UNWTO નામાંકન કરાયેલા ગામોનું મૂલ્યાંકન સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, સાંસ્કૃતિક સંસાધનોના પ્રમોશન અને સંરક્ષણ, આર્થિક ટકાઉપણું, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય ટકાઉપણું, પ્રવાસન સંભવિત અને વિકાસ અને મૂલ્ય શૃંખલા એકીકરણ સહિતના ૯ ક્ષેત્રોને આવરી લેતા માપદંડોના આધારે સ્વતંત્ર સલાહકાર બોર્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ તમામ ૯ ક્ષેત્રોમાં થયેલી ઉત્તરોત્ર પ્રગતિને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

4 20

કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે  ટ્વિટ કરીને જણાવ્યું કે, કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય તરીકે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે એવી લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાનએ ૨૦૦૯અને ૨૦૧૫માં તેમણે લીધેલી ધોરડોની મુલાકાતોની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમજ બીજા લોકોને ધોરડોની મુલાકાત લેવા પ્રેરણા મળે તે માટે લોકોને તેમની ધોરડોની જૂની મુલાકાતોની યાદો #AmazingDhordo નો ઉપયોગ કરી શેર કરવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી કચ્છના ઘોરડોમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આજે ગુજરાતને અને કચ્છને વૈશ્વિક ટુરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છે તે ગુજરાત માટે આનંદની વાત છે. તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને “વસુધૈવ કુટુમ્બકમ”નો મંત્ર સાકાર કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત પ્રવાસન વિભાગ અને લાખો ગુજરાતીઓને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

3 35

પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છનું ઘોરડો માત્ર પ્રવાસન જ નહી પણ રાષ્ટ્રીય સ્તરે વહીવટી તંત્ર માટે તાલીમનું કેન્દ્ર પણ બન્યું છે. ઘોરડોમાં રણોત્સવ ઉપરાંત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમી-LBSNAAના ઓફિસરોની તાલીમ, G-20ની પ્રવાસન બેઠક, વિવિધ ચિંતન શિબિર, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ઓલ ઇન્ડિયા મિનિસ્ટર્સ કોન્ફરન્સ, ઓલ ઇન્ડિયા DG/IG સમિટ તેમજ વિવિધ મહાનુભાવો સહિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર પ્રસ્થાપિત થયું છે.ઘોરડોના રણોત્સવમાં વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજે ૨.૪૨ લાખથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા હતા. જેના પરિણામે સ્થાનિકોને રોજગારી આપવામાં ઘોરડો મહત્વનું પ્રવાસનધામ સાબિત થયું છે. આ એવોર્ડ પ્રાપ્ત થવાથી હવે ઘોરડો વધુને વધુ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી રોજગારીમાં વધારો થશે તેમ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરીને આ સિદ્ધિ બદલ પ્રવાસન વિભાગના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

2 56

ગુજરાત સરકારે ધોરડોને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સતત કામ કર્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે અહીં રણોત્સવનું પણ આયોજન કરે છે જે ૪ મહિના સુધી ચાલે છે. રણોત્સવ એ ભારત અને વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય પ્રસંગ છે, જ્યાં વિશ્વભરના લોકો ધોરડો અને તેની આસપાસના કુદરતી સૌંદર્યને વર્ષ ૨૦૦૬થી રેકોર્ડ સ્તરે માણવા આવે છે. એટલું જ નહીં, રણ ઉત્સવ એ ધોરડોની સૌથી વધુ આવક પેદા કરતી આર્થિક પ્રવૃત્તિઓમાંની એક છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.