સેવન ડોટ્સ – સાત રંગોનું કલાસર્જન અમદાવાદની ગુફામાં જોવા મળ્યું

0
209
“સેવન ડોટ્સ “ સાત રંગોનું કલાસર્જન અમદાવાદની ગુફામાં જોવા મળ્યું
“સેવન ડોટ્સ “ સાત રંગોનું કલાસર્જન અમદાવાદની ગુફામાં જોવા મળ્યું

સેવન ડોટસ ના નામથી સાત ચિત્રકારોએ પોતાની વિવિધ કલા ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે ગ્રુપ શોનું આયોજન કર્યું.  સેવન ડોટસ માં  પોત-પોતાની આગવી કલા દ્વારા પોતાની ઓળખ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શનમાં ક્રિએટિવ આર્ટ, પક્ષી જગતને વાસ્તવિક કલામાં સુંદરતા પૂર્વક દર્શાવ્યું છે. સેવન ડોટસ માં અમદાવાદના કલાત્મક બાંધકામ તથા હેરિટેજ પર રિયાલિસ્ટિક આર્ટ છે. એક્રેલિક રંગોથી વિવિધ ચહેરાઓના ભાવ કંઈક કહી રહ્યા છે. શહેરના સામાન્ય જીવનને પોતાની કલામાં ખૂબ જ સહજતા પૂર્વક ઉપસાવી જીવંતતા આપી છે.  સેવન ડોટસ  અંતર્ગત કરણ પટેલે પોતાની ફીલિંગ્સ કલાસર્જન દ્વારા દર્શાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. હાલના સમયમાં ખુલ્લા આકાશમાં  વિહાર કરતાં પક્ષીઓના જીવનને ઘણી બધી રીતે નુકસાન થઈ રહ્યું છે. તેમનું જીવન સાચે જ જોખમાઈ રહ્યું છે. ત્યારે કરણે તેના ચિત્રો દ્વારા પક્ષીઓને સાચવવાનું મહત્વ દર્શાવ્યું છે.  

2

સેવન ડોટસ પ્રદર્શનમાં નિધિ પટેલ બાળપણથી જ કલા સાથે સંકળાયેલી છે. તે પોતાના અંગત જીવન પર આધારિત પ્રસંગો માંથી ઉદભવતી લાગણીઓને રંગો દ્વારા કેનવાસ પર ઉતારે છે. જેમાં તે પોતાના વિચારો પણ વ્યક્ત કરે છે. પ્રસંગો દ્વારા ઉપસી આવતા ચહેરા પરના ભાવનો નિધિ અભ્યાસ કરે છે અને તે હાવભાવને ખૂબ જ કુશળતાપૂર્વક પોતાની કલામાં ઉપસાવે છે. એબસ્ટ્રેક્ટ આર્ટ દ્વારા ચહેરાના જુદા જુદા ભાવ ને ઓઇલ કલર, પોસ્ટર કલર તથા એક્રિલિક રંગો થી કામ કરે છે.

સેવન ડોટસ  પ્રદર્શન  અંતર્ગત અંકિત રાજે પોતાના સામાન્ય જીવનના અનુભવો તથા ફીલિંગ્સને ધ્યાનમાં રાખી સામાન્ય જીવનના સંઘર્ષ તેમ જ તેની સહજતા અને સરળતા ને પોતાની કલા દ્વારા દર્શાવ્યા છે. જેમાં શહેરના રીચ વિસ્તારમાં દોરડા પર ચાલી જુદા જુદા કરતબ બતાવી પોતાનું ગુજરાન ચલાવતી છોકરીને દર્શાવી છે.

 સામાન્ય જીવનના અનુભવો તથા ફીલિંગ્સ

કોમલ ઠાકોર ઉત્સાહી ચિત્ર સર્જક છે અને પ્રકૃતિ સાથે જોડાયેલી છે. પ્રાકૃતિક સુંદર દ્રશ્યો જોવા ગમે છે તથા કુદરતી વાતાવરણને માણવા  પ્રવાસ કરવાનો શોખ છે. કોમલ પ્રખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાનઘોઘ થી પ્રભાવિત છે અને તેમની ચિત્ર શૈલીમાં કામ કરે છે.  સેવન ડોટસ શોમાં ધવલ પ્રજાપતિએ અમદાવાદ શહેરને જ પોતાની કલાનો વિષય બનાવ્યો છે. તેણે સમાજ વચ્ચેથી દુર્લભ બનેલી ચકલી, હઠીસિંગના દેરા, લાલ દરવાજા નું વીજળી ઘર, આશ્રમ રોડની આર્કિટેક્ચર ઈમારત, ચબૂતરા નું કોતરકામ, લાકડીયો બ્રિજ, ઝૂલતા મિનારા, વાવ, શહેરના કલાત્મક દરવાજા, ગાંધી આશ્રમ જેવા સુંદર સ્થાપત્યોને પોતાની આગવી કલા દ્વારા કલાત્મક રીતે રજૂ કર્યા હતા.

3 1

સન્ની કુંભારાણાએ  પોતાના અંગત જીવનના અનુભવો લાગણીઓને વ્યક્ત કરવા ટેડી બિયર ને પોતાના સબ્જેક્ટનું પાત્ર બનાવી પોતાની આંતરિક લાગણીઓ તથા ભાવને વાસ્તવિક કલા દ્વારા વ્યક્ત કર્યો છે. અમી શાહ ને બાળપણથી જ ચિત્રકલામાં રુચિ રહી છે. તેના ઓબ્ઝર્વેશનમાં જે પણ આવે તેના જુદા જુદા ફોર્મ તેની કલ્પનાઓમાં આકાર લેવા લાગે છે. જેમાં પોતાની કલ્પનાઓ પ્રત્યક્ષ જોયેલા આકારો તથા બાળપણના બનાવેલા ચિત્રો છલકાવા લાગ્યા.  શહેરમાં વસતા વિવિધ કલાકારો પણ પોતાની આગવી કલા દ્વારા શહેરના સ્થાપત્યથી લઈને વિવિધ વિષયો દ્વારા કલા સર્જન કરે છે અને શહેરની વિવિધતા પોતાની કલા દ્વારા દર્શાવી જીવનને ધબકતું રાખે છે.અમદાવાદની ગુફામાં યોજાયેલ “સેવન ડોટસ”  પ્રદર્શનમાં દર્શાવેલ વિવિધ પ્રકારની આગવી કલાથી દર્શકો પ્રભાવિત રહ્યા હતા.