HomeGujaratWeatherUpdate:દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરતમાં બે કલાકમાં બે ઇંચ ખાબકતા જળબંબાકાર,...

WeatherUpdate:દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરતમાં બે કલાકમાં બે ઇંચ ખાબકતા જળબંબાકાર, નવસારીમાં કાવેરી નદી બે કાંઠે વહેતા મહાદેવ મંદિર ડૂબ્યું

WeatherUpdate: ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ પૂરજોશમાં સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પરડીમાં સૌથી વધુ ૮.૧૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે.

WeatherUpdate:નવસારીમાં કાવેરી નદી ઉભરાતા ચીખલીમાં મહાદેવ મંદિર ડૂબ્યું

ચીખલી રિવરફ્રન્ટનું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન, કાવેરી નદી બે કાંઠે વહેતાં લો-લાઈન બ્રિજ તેમજ કોઝવે બંધ કરાયા.

નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે કાવેરી નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે. ચીખલી રિવરફ્રન્ટ પર આવેલું ઐતિહાસિક તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયું છે.

  • નદીના વધતા પ્રવાહને કારણે લો-લાઈન બ્રિજ અને કોઝવે ડૂબી જતાં વાહનવ્યવહાર સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો છે.
  • નવસારી શહેરમાં માત્ર બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબકતા સિટી ગાર્ડન અને રોયલ પાર્ક જેવી સોસાયટીઓ તથા મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે.
  • સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

 WeatherUpdate: સુરતમાં મોડીરાતથી ધોધમાર વરસાદ, ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ

સુરતમાં 6થી 8 વાગ્યાના બે કલાકમાં બે ઇંચ વરસાદ, પાણી ભરાવાનું શરૂ.

સુરત શહેરમાં મોડીરાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

  • ભેદવાડ ખાડી દ્વારા ભયજનક સપાટી વટાવી દેવામાં આવતા આસપાસના વિસ્તારોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.
  • સવારે કામે નીકળેલા નોકરિયાતો અને કોલેજના વિદ્યાર્થીઓને પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
  • બીજી તરફ, ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.

 WeatherUpdate:વાપીમાં અંડરપાસમાં ફસાયો ટેમ્પો, દોરડા વડે બહાર કઢાયો

WeatherUpdate:

વલસાડ જિલ્લાના વાપીમાં મુશળધાર વરસાદના કારણે રેલવે અંડરપાસમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા જતાં એક પિકઅપ ટેમ્પો અચાનક બંધ પડી જતા ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પાલિકાના કામદારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને એક કલાકથી વધુની ભારે જહેમત બાદ દોરડાની મદદથી ટેમ્પાને સલામત રીતે બહાર કાઢ્યો હતો.

 આગામી દિવસો માટે હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૭ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેશે.

  • આજે (૨૧ જુલાઈ): સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ‘અતિભારે વરસાદ’ની આગાહી કરવામાં આવી છે.
  • ૨૨ જુલાઈ: સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું જોર યથાવત્ રહેશે.
  • ૨૫ અને ૨૬ જુલાઈ: મધ્ય અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
  • અમદાવાદ: આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને એક-બે વખત ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ પણ વાંચો :અમદાવાદમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી: વેજ બર્ગરના બદલે નોન-વેજ મોકલતા રાતોરાત રેસ્ટોરન્ટ સીલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments