US Greenland Issue: ગ્રીનલેન્ડને લઈને અમેરિકાના આક્રમક વલણ સામે યુરોપિયન દેશોની એકતાએ વૈશ્વિક રાજનીતિમાં નવી દિશા દર્શાવી છે. નાટોના સભ્ય દેશ હોવા છતાં અમેરિકા જો અન્ય નાટો દેશના સ્વાયત્ત પ્રદેશ પર મેલી નજર કરે, તો તે કેટલું યોગ્ય? આ સવાલ આજે સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
US Greenland Issue:નાટો માટે અગ્નિપરીક્ષા બન્યો ગ્રીનલેન્ડ મુદ્દો

ગ્રીનલેન્ડ ડેનમાર્કનું સ્વાયત્ત ક્ષેત્ર છે. છતાં અમેરિકા તેના પર વ્યૂહાત્મક કબજો જમાવવાની તૈયારીમાં હોવાનું સ્પષ્ટ થતાની સાથે જ યુરોપિયન દેશો એકસુરમાં વિરોધમાં ઊભા રહ્યા. હંમેશા અમેરિકાની પડખે ઊભા રહેતા યુરોપે આ વખત કડક વલણ દાખવીને ડોનાલ્ડ ટ્રમ્પને પણ ચોંકાવી દીધા.
US Greenland Issue:ટ્રમ્પે નમતું જોખ્યું કે નવી વ્યૂહરચના?
વેનેઝુએલા બાદ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવું ટ્રમ્પ માટે સરળ હશે એવી ધારણા હતી. પરંતુ જ્યારે વોશિંગ્ટન આક્રમક મૂડમાં આવ્યું, ત્યારે બ્રિટન, જર્મની, ફ્રાંસ સહિતના દેશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એકતરફી કાર્યવાહી સ્વીકાર્ય નહીં હોય. પરિણામે, વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણાતું અમેરિકા પણ થોડું પાછું પગલું ભરવા મજબૂર બન્યું.
US Greenland Issue:યુરોપીય સંપ્રભુતા સામે અમેરિકાનો પડકાર

અમેરિકા ગ્રીનલેન્ડને આર્કટિક ક્ષેત્રમાં પોતાના પ્રભાવ માટે મહત્વપૂર્ણ માને છે. રશિયા અને ચીનના વધતા દબદબાને અટકાવવા માટે ટ્રમ્પ સરકાર અહીં સૈન્ય અને વ્યૂહાત્મક ગતિવિધિઓ તેજ કરી રહી હતી. પરંતુ ગ્રીનલેન્ડ ડેનમાર્ક સાથે જોડાયેલું હોવાને કારણે આ મુદ્દો સીધો યુરોપીય સંપ્રભુતાનો બની ગયો.
US Greenland Issue:યુરોપે અમેરિકાને ખુલ્લો સંદેશ આપ્યો
યુરોપિયન નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે સુરક્ષાના નામે પ્રદેશીય સંતુલન સાથે ચેડાં નહીં ચાલે. આ પગલું આર્કટિકમાં તણાવ વધારશે અને સ્થાનિક લોકોની ઇચ્છાઓની અવગણના કરશે. મહત્વનું છે કે જર્મનીએ પ્રતિકાત્મક રીતે ગ્રીનલેન્ડમાં સૈનિકોની નાની ટુકડી તૈનાત કરી, જેનો સંદેશ ઘણો મોટો હતો.

‘વેઇટ એન્ડ વોચ’ પર અમેરિકા
યુરોપના કડક વલણ બાદ અમેરિકા સમજી ગયું કે જો યુરોપ નારાજ થશે, તો તેની અસર માત્ર ગ્રીનલેન્ડ પૂરતી નહીં રહે. યુક્રેન, મધ્ય પૂર્વ અને એશિયાની નીતિઓ પર પણ અસર પડી શકે છે. તેથી હાલ અમેરિકા ગ્રીનલેન્ડ મુદ્દાને ‘વેઇટ એન્ડ વોચ’ સ્થિતિમાં રાખી રહ્યું છે.
શું ટ્રમ્પ સરળતાથી પાછળ હટશે?
અમેરિકાની નીતિ હંમેશા દબાણની રહી છે. ટ્રમ્પે યુરોપને સંકેત આપતાં કહ્યું છે કે ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ કરનારા દેશો પર ટેરિફ વધારાશે. 1 ફેબ્રુઆરીથી 10 ટકા વધારાનો ટેરિફ અને જૂનમાં તે 25 ટકા સુધી લઈ જવાની ચેતવણી પણ આપી છે.
ગ્રીનલેન્ડ હજુ પણ અમેરિકાના એજન્ડામાં
ટ્રમ્પ સરકારે માર્ચ મહિનામાં વિશેષ દૂતને ગ્રીનલેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે, જે ડેનમાર્ક અને નાટો સાથે વાતચીત કરીને સમાધાનનો રસ્તો શોધશે. એટલે સ્પષ્ટ છે કે ગ્રીનલેન્ડ મુદ્દો હજુ પણ અમેરિકાના એજન્ડામાંથી બહાર ગયો નથી.
વૈશ્વિક રાજનીતિમાં બદલાતી દિશા
ગ્રીનલેન્ડ મુદ્દાએ સાબિત કરી દીધું છે કે હવે દુનિયા એકતરફી નિર્ણયોને સ્વીકારતી નથી. યુરોપે બતાવ્યું કે તે માત્ર અમેરિકાનું અનુસરણ નહીં કરે, પરંતુ પોતાના હિતો માટે સામૂહિક રીતે ઊભું રહી શકે છે. બીજી તરફ અમેરિકા માટે પણ આ ચેતવણી છે કે રશિયા અને ચીન સામે લડવા માટે તેને યુરોપ અને નાટો જેવા સાથીદારોની જરૂર પડશે.
આ પણ વાંચો :Global Tensions:અમેરિકાની કાર્યવાહીથી રશિયા ભડક્યું, સમુદ્રમાં ટેન્કર જપ્ત થતાં વૈશ્વિક તણાવ




