US Air Show Horror: અમેરિકામાં એર શો દરમિયાન મોટી દુર્ઘટના હવામાં જ ટકરાયા ૨ લડાકુ વિમાનો, ૪ પાયલોટનો ચમત્કારિક બચાવ

0
96
US Air Show Horror
US Air Show Horror

US Air Show Horror: અમેરિકાના ઇડાહો (Idaho)માં આવેલા પ્રસિદ્ધ ‘માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ’ (Mountain Home Air Force Base) ખાતે આયોજિત એક એર શો દરમિયાન એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો છે. આકાશમાં આકર્ષક કરતબો અને સ્ટન્ટ્સ બતાવી રહેલા યુએસ નેવીના બે અત્યાધુનિક EA-18G ગ્રાઉલર (Growler) લડાકુ વિમાનો વચલા આસમાને એકબીજા સાથે પ્રચંડ વેગે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે હવામાં જ બંને વિમાનોના ટુકડે-ટુકડે થઈ ગયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

US Air Show Horror: હવામાં જ વિમાનોના પરખચ્ચા ઉડ્યા, એરબેઝ લોકડાઉન

US Air Show Horror

સ્થાનિક સમય મુજબ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે બનેલી આ ઘટના બાદ સમગ્ર એરબેઝને તાત્કાલિક લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને જોઈને શો જોવા આવેલા હજારો દર્શકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

US Air Show Horror: ૪ પાયલોટનો રોમાંચક અને ચમત્કારિક બચાવ

આ ભયાનક અકસ્માત વચ્ચે એક સૌથી મોટો ચમત્કાર જોવા મળ્યો હતો. વિમાનો હવામાં અથડાવાની બરાબર થોડી જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ ખુલતા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બંને વિમાનોમાં સવાર કુલ ૪ ક્રૂ મેમ્બર્સ (પાયલોટ) સમય સૂચકતા વાપરીને વિમાન ક્રેશ થાય તે પહેલાં જ સફળતાપૂર્વક ઇજેક્ટ (Eject) થઈ ગયા હતા. ચારેય પાયલોટ સંપૂર્ણ સુરક્ષિત રીતે જમીન પર ઉતરી આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

US Air Show Horror: ૮ વર્ષના લાંબા ઇન્તેજાર બાદ યોજાયો હતો શો

એરબેઝના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બંને વિમાનો અથડાયા બાદ એરબેઝથી આશરે બે માઈલ દૂર જઈને ખાબક્યા હતા. આ અકસ્માતના પગલે રવિવારે યોજાનારા અન્ય તમામ કાર્યક્રમો તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા છે. નોંધનીય છે કે આ ‘ગનફાઇટર સ્કીઝ એર શો’ (Gunfighter Skies Air Show) પૂરા ૮ વર્ષના લાંબા સમય બાદ યોજવામાં આવ્યો હતો, જેની આયોજકો છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા હતા.

આ અકસ્માતે એરબેઝના ભૂતકાળના અકસ્માતોની યાદ તાજી કરાવી દીધી છે, જ્યાં ૨૦૧૮માં એક હેંગ ગ્લાઈડર પાયલોટનું મોત થયું હતું અને ૨૦૦૩માં એક થંડરબર્ડ જેટ ક્રેશ થયું હતું. હાલમાં મિલિટરી તપાસ ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : સુરતમાં સનસનાટી પલસાણાના ફ્લેટમાંથી યુવતીની અર્ધનગ્ન લાશ મળી, લિવ-ઇન પાર્ટનર ફરાર થતાં હત્યાની આશંકા