UPI Rule Change: ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આગામી 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ (MDR) વસૂલવામાં આવશે. આ ફીની મહત્તમ મર્યાદા ₹300 સુધી રાખવામાં આવી છે, જે ટ્રાન્ઝેક્શનના મૂલ્ય પર આધારિત રહેશે. નાણા મંત્રાલયે સોમવારે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે આ ચાર્જ સામાન્ય ગ્રાહકો પાસેથી નહીં, પરંતુ વેપારીઓ પાસેથી લેવામાં આવશે. ₹2,000 સુધીના પેમેન્ટ પર ગ્રાહક કે વેપારી બંનેમાંથી કોઈ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ સાથે RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ સંપૂર્ણ મુક્તિ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
UPI Rule Change: મોટા પેમેન્ટ્સના કારણે લેવાયો નિર્ણય: નાના વેપારીઓને રાહત
સરકારના આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં દુકાનદારોને UPI મારફતે કુલ ₹198 લાખ કરોડનું પેમેન્ટ મળ્યું હતું. તેમાંથી ₹2,000થી વધુ રકમના ટ્રાન્ઝેક્શન માત્ર 4% હતા, પરંતુ તેમની કુલ કિંમત ₹131 લાખ કરોડ પહોંચી હતી, જે સમગ્ર રકમના 66% જેટલી વિશાળ હિસ્સેદારી ધરાવે છે.
નાના વેપારીઓને રક્ષણ આપવા સરકારે સ્પષ્ટતા કરી છે કે જે દુકાનદારોનું માસિક ટર્નઓવર ₹21 લાખ કે તેથી ઓછું છે, તેમને આ MDR ચૂકવવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. સરકારના જણાવ્યા પ્રમાણે, UPIનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા, ટેકનોલોજી અપગ્રેડ કરવા અને સાયબર ફ્રોડ અટકાવવા સતત ખર્ચ થતો હોવાથી નિયમમાં લાંબા ગાળાના હિત માટે સુધારો કરાયો છે.
UPI Rule Change: સરકારી ઇન્સેન્ટિવ યોજના અને દેશમાં UPIનું નેટવર્ક
ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે 2021-22થી પ્રોત્સાહન યોજના ચલાવી હતી, જેમાં નાના દુકાનદારોને ₹2,000 સુધીના પેમેન્ટ પર 0.15% ઇન્સેન્ટિવ અપાતું હતું. વર્ષ 2024-25 સુધીમાં આ યોજના હેઠળ સરકારે ₹8,276 કરોડનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. દેશમાં જૂન 2026 સુધીમાં 55.5 કરોડ સક્રિય UPI યુઝર્સ નોંધાયા હતા.
ભારતમાં UPI નેટવર્ક આજે અભૂતપૂર્વ રીતે વિસ્તર્યું છે. જુલાઈ 2026 સુધીમાં 741 બેંકો UPI પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે. માત્ર જુલાઈ માસમાં જ ₹29.88 લાખ કરોડના મૂલ્યના આશરે 2,366 કરોડ વ્યવહારો થયા હતા. નાણાકીય વર્ષ 2025-26માં ભારતના કુલ ડિજિટલ પેમેન્ટ્સમાં UPIનો હિસ્સો 84% પર પહોંચી ચૂક્યો છે.
UPI Rule Change: વિપક્ષનો આક્રોશ: ‘સામાન્ય જનતા પર છૂપો ડિજિટલ ટેક્સ’
સરકારના આ પગલા સામે વિપક્ષી નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધીએ પ્રહાર કરતા જણાવ્યું કે સરકારે ચૂપચાપ UPI પર ફી વસૂલવાનો રસ્તો ખોલી દીધો છે. દુકાનદાર પર લાદવામાં આવતી ફીનો અંતિમ બોજ આખરે ગ્રાહકોના ખિસ્સા પર જ પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો કે જથ્થાબંધ મોંઘવારી 10%ની આસપાસ છે અને લોકો પહેલેથી જ પરેશાન છે. સરકારે સામાન્ય માણસની બચત પર ‘ડિજિટલ પેમેન્ટ ટેક્સ’ ઝીંકીને મુશ્કેલી વધારવાની યોજના બનાવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

