Tragedy at Polo Forest: સાબરકાંઠા જિલ્લાના પ્રખ્યાત પર્યટન સ્થળ પોળો ફોરેસ્ટમાં રવિવારે સાંજે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વીકએન્ડની રજા માણવા આવેલા અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામના ત્રણ મિત્રો હરણાવ નદીમાં નાહવા પડ્યા હતા, જેમાંથી બે યુવકોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે એક યુવકનો આબાદ બચાવ થયો છે.

Tragedy at Polo Forest: શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અરવલ્લીના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના ત્રણ યુવકો રવિવારે પોળો ફોરેસ્ટની મુલાકાતે આવ્યા હતા. ફરવા દરમિયાન તેઓ હરણાવ નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. નદીના ઊંડા પાણીનો અંદાજ ન આવતા ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. જોકે, તેમાંથી એક યુવક ગમે તેમ કરીને જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ અન્ય બે મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

Tragedy at Polo Forest: મૃતકોની ઓળખ
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવકોની ઓળખ નીચે મુજબ છે:
- યશ ગીરીશભાઈ વાઘેલા (ઉંમર: 21 વર્ષ)
- શાહિલ રસિકભાઈ મોરી (ઉંમર: 22 વર્ષ) (બંને રહેવાસી: ટીંટોઈ, તા. મોડાસા, જિ. અરવલ્લી)

Tragedy at Polo Forest: રેસ્ક્યુ ઓપરેશન અને પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇડર ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ નદીમાં વ્યાપક શોધખોળ હાથ ધરીને ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ બી. ડી. રાઠોડ અને તેમનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિજયનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ આશાસ્પદ યુવકોના અકાળે મૃત્યુથી ટીંટોઈ ગામ અને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
હિસારમાં ભયાનક અકસ્માત, સ્વીટ શોપમાં લિફ્ટમાં ગરદન ફસાતા યુવકનું કરુણ મોત




