રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ મુસ્લિમોને રીઝવવા માટે પ્રયાસ કર્યો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી જેલેન્સ્કીએ શુક્રવારે યુક્રેનની રાજધાની કીવમાં ઈફતાર પાર્ટી આપી હતી. જેમાં સંખ્યાબંધ મુસ્લિમ નેતાઓ અને પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ ઈફતાર પાર્ટી દરમિયાન જેલેન્સ્કીએ એક પ્રતિજ્ઞા પણ લીધી હતી. જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, ક્રિમિયા ટાપુ પર રશિયાએ કબ્જો જમાવ્યો છે અને રશિયા પાસેથી આ ટાપુ હું પાછો લઈને રહીશ. આ પાર્ટીમાં ઘણા મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, ક્રિમિયા ટાપુ પર રહેતા મુસ્લિમ તાતાર સમુદાય સાથે રશિયા ખરાબ વર્તાવ કરી રહ્યુ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે આ પહેલા 2014માં ક્રિમિયા ટાપુને લઈને ભાંજગડ થઈ હતી. રશિયાએ યુક્રેન પાસેથી આ ટાપુ જ્યાં આવેલો છે તે કાળા સમુદ્ર એટલે કે બ્લેક સી પરથી યુક્રેનનુ નિયંત્રણ ખુંચવી લીધુ હતુ. એ પછી ક્રિમિયા ટાપુનો રશિયામાં વિલય કરવા માટે રશિયાએ જનમત સંગ્રહ કરાવ્યો હતો. અમેરિકા અને બીજા પશ્ચિમના દેશોએ રશિયાના આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો
ઈફતાર પાર્ટીમાં જેલેન્સ્કીએ કહયુ હતુ કે, યુક્રેનને ગુલામ બનાવવા માટે રશિયાના પ્રયત્નો ક્રીમિયા પર કબ્જા સાથે શરૂ થયા હતા. ક્રિમિયામાં તાતાર મુસ્લિમો સાથે રશિયા ખરાબ વર્તાવ કરી રહ્યુ છે. તાતાર સમુદાય દ્વારા જનમતસંગ્રહનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. રશિયાએ તાતાર સમુદાયને કટ્ટરવાદી સમુદાય જાહેર કર્યો હતો અને તેના ઘણા લોકોને જેલમાં ધકેલી દીધા હતા.
જેલેન્સ્કીએ મુસ્લિમ સૈનિકોને સન્માનિત પણ કર્યા હતા અને કહ્યુ હતુ કે, યુ્ક્રેન અને દુનિયા પાસે ક્રિમિયા પર ફરી કબ્જો જમાવવા સીવાય કોઈ વિકલ્પ નથી. યુક્રેન ક્રિમિયામાં પાછુ ફરશે. યુક્રેન દુનિયાના મુસ્લિમ સમુદાય અને યુક્રેનમાં રહેતા મુસ્લિમોનો આભારી છે. જે અમારી જેમ શાંતિ અને સુરક્ષા ઈચ્છે છે.