Thakor Samaj Bandharan :ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે કુરિવાજો, ફિજૂલ ખર્ચ અને સામાજિક અણશિસ્ત સામે કડક વલણ અપનાવી સમાજ સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રસિદ્ધ ઓગડજી ધામ ખાતે ઠાકોર સમાજ દ્વારા એક વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ માટે એક આધુનિક, મોકમાન્ય અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરીને તેને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે.

આ બંધારણ મહાસંમેલનમાં સંતો, સમાજના આગેવાનો તેમજ તમામ રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં સમાજબાંધવો ઉપસ્થિત રહી એકસૂરે નવા બંધારણને કડક રીતે અમલમાં લાવવાની હાકલ કરી હતી. સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજો અને ખર્ચાળ પ્રથાઓ બંધ કરીને શિસ્તબદ્ધ અને શિક્ષિત સમાજના નિર્માણનો સંદેશ આ મહાસંમેલન દ્વારા આપવામાં આવ્યો હતો.
Thakor Samaj Bandharan :નેતાઓએ સમાજને આપ્યો સ્પષ્ટ સંદેશ

મહાસંમેલનમાં બોલતા **અલ્પેશ ઠાકોર (ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણ)**એ જણાવ્યું હતું કે, “બીજા સમાજો સંગઠિત બનીને સુખી થયા છે, તેમાંથી આપણે શીખવું પડશે. ઈર્ષા કરવાથી કંઈ મળતું નથી. બંધારણ બન્યું છે તો તેની અમલવારી પણ એટલી જ જરૂરી છે.”
**સાંસદ ગેનીબેન ઠાકોર (બનાસકાંઠા)**એ ભાવુક અપીલ કરતાં કહ્યું હતું કે, “હું ખોળો પાથરીને ભીખ માંગુ છું કે જેમ અન્ય સમાજો ભેગા થાય છે તેમ આપણો ઠાકોર સમાજ પણ ઉત્તર ગુજરાતમાં સદારામબાપુના નામે એકજુટ થાય. તેના માટે સદારામ ધામનું નિર્માણ થવું જોઈએ.”
**કેશાજી ચૌહાણ (ધારાસભ્ય, દિયોદર)**એ સમાજને સંદેશ આપતા જણાવ્યું કે, “શક્તિશાળી સમાજ માટે સૌપ્રથમ આળસને દૂર કરવી પડશે.”
**લવીંગજી ઠાકોર (ધારાસભ્ય, રાધનપુર)**એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “16 મુદ્દાનું બંધારણ એકવાર અમલમાં આવ્યું એટલે સૌએ તેનું પાલન કરવું જ પડશે.”
જ્યારે **અમરતજી ઠાકોર (ધારાસભ્ય, કાંકરેજ)**એ કહ્યું કે, “હવે સમાજે શિક્ષણનો પ્યાલો પીવાની પણ તાત્કાલિક જરૂર છે.”
Thakor Samaj Bandharan :ગેનીબેન ઠાકોરે કર્યું બંધારણનું જાહેર વાંચન

આ બંધારણ અંગે અગાઉ 15 નવેમ્બર 2025ના રોજ દિયોદર ખાતે ઠાકોર સમાજ છાત્રાલયમાં યોજાયેલી સમસ્ત ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાંથી તૈયાર થયેલા તમામ મુદ્દાઓનું આજે મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સમક્ષ જાહેર વાંચન કર્યું હતું. ત્યારબાદ આજ (4 જાન્યુઆરી 2026)થી ઠાકોર સમાજમાં નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે.
Thakor Samaj Bandharan :16 મુદ્દાના બંધારણની મુખ્ય રૂપરેખા
નવા બંધારણમાં સગાઈ, લગ્ન, જાન, મામેરું, જમણવાર, મરણ પ્રસંગ, જન્મદિવસ સહિતના તમામ સામાજિક પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. સગાઈમાં મર્યાદિત વ્યક્તિઓ, ઓઢમણા પ્રથા બંધ, લગ્નમાં પત્રિકા છાપવા પર રોક, ડિજિટલ આમંત્રણને પ્રોત્સાહન, જાનમાં વાહનો અને વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રાખવી, ડીજે અને સનરૂફ ગાડી પર પ્રતિબંધ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મામેરામાં દાગીના લઈ જવાની પ્રથા બંધ કરી રોકડ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જન્મદિવસની ઉજવણી બંધ કરી તેના બદલે સમાજની લાઇબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત તમામ પ્રસંગોમાં નશાકારક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Thakor Samaj Bandharan :અમલ માટે સંકલન સમિતિ ફરજીયાત
બંધારણનો યોગ્ય અને કડક અમલ થાય તે માટે દરેક તાલુકા અને દરેક ગામ કક્ષાએ સંકલન સમિતિ રચવી ફરજીયાત બનાવવામાં આવી છે, જેમાં કુટુંબ પ્રમાણે સભ્યોનો સમાવેશ કરવામાં આવશે.
સમાજ સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
ઓગડજી ધામ ખાતે લેવાયેલો આ નિર્ણય ઠાકોર સમાજમાં એકતા, શિસ્ત, આર્થિક બચત અને શિક્ષણને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. નવા બંધારણનો સાચો અમલ થાય તો ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અન્ય સમાજો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે.
આ પણ વાંચો :Ration Card:હવે અંગૂઠાની જરૂર નહીં! QR કોડથી મળશે રેશન, અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ




