Tapi District Flood Alert: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે તાપી જિલ્લામાં પણ નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે તંત્ર દ્વારા વિશેષ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
Tapi District Flood Alert: વ્યારામાં મીંઢોળા નદી બની બે કાંઠે
તાપી જિલ્લાના મુટક મથક વ્યારા શહેરમાંથી પસાર થતી મહત્વની મીંઢોળા નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીનું સ્તર અચાનક વધી ગયું છે. નદી બે કાંઠે વહેતી થતાં આસપાસના જળસ્રોતોમાં પણ પાણીની આવક ઝડપથી વધી છે, જેને લઈને નદી કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Tapi District Flood Alert: મનકામેશ્વર મંદિર તરફનો માર્ગ બંધ

મીંઢોળા નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે સુરક્ષાના ભાગરૂપે વ્યારાનું જાણીતું મનકામેશ્વર મંદિર તરફ જતો માર્ગ હાલની પરિસ્થિતિમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ભરાવાને કારણે અથવા રસ્તો જળમગ્ન થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.
Tapi District Flood Alert: વ્યારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સ્થિતિની ગંભીરતાને જોતાં વ્યારા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. નદીના કાંઠા વિસ્તાર કે પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં કોઈ પણ નાગરિક કે અજાણ્યો શખ્સ જોખમ ખેડીને ન જાય અથવા સેલ્ફી લેવા કે અન્ય કારણોસર નદી કિનારે એકઠા ન થાય, તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા નદીકાંઠાના તમામ રહેવાસીઓને સાવચેત રહેવા અને પ્રશાસનને પૂરતો સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે તાપી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સતત વરસાદના કારણે લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં જળબંબાકાર, SMC દ્વારા સ્થળાંતરની અપીલ




