Surat SBI Robbery Case: વરાછા વિસ્તારની SBI બેંકમાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચ પર મુખ્ય આરોપીએ હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું છે. આ ‘યુપી સ્ટાઇલ’ એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી શુભમ ઠાકુરના બંને પગમાં ગોળી વાગી છે.
Surat SBI Robbery Case: હથિયાર રિકવરી દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા

ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડ પર રહેલા આરોપી શુભમ અને વિકાસને લઈને સુરત ગ્રામ્યના કન્યાસી ગામ ખાતે હથિયાર અને મોબાઈલ રિકવર કરવા પહોંચી હતી. પૂછપરછ દરમિયાન શુભમે કબૂલાત કરી હતી કે તેણે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ ખેતરમાં છુપાવી છે. જોકે, હથિયાર કાઢતી વખતે શુભમે પોલીસને દગો આપી અચાનક લોડેડ ઓટોમેટિક પિસ્તોલથી વરાછા PI એ.આર. વાળા પર ફાયરિંગ કરી દીધું હતું.
Surat SBI Robbery Case: ACP કિરણ મોદીનું સચોટ નિશાન

પોલીસ પર થયેલા આ આકસ્મિક હુમલા બાદ ACP કિરણ મોદીએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. તેમણે સ્વબચાવમાં કરેલા વળતા ફાયરિંગમાં આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શુભમને હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
કેસની મહત્વની વિગતો અને મોટા ખુલાસા:

- બિહાર જેલ સાથે કનેક્શન: આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર (કુંદન ભગત) છે, જે હાલ પટનાની જેલમાં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે એક ખાસ એપ દ્વારા આખી ગેંગને સૂચનાઓ આપી હતી.
- ચૂંટણીનો લાભ ઉઠાવ્યો: લૂંટારુઓએ અંદાજે 10 બેંકોની રેકી કરી હતી. સુરત મનપાની ચૂંટણીના બીજા દિવસે, જ્યારે પોલીસ વ્યસ્ત હોય, ત્યારે આ લૂંટને અંજામ આપ્યો હતો.
- નકલી ઓળખનો ખેલ: ગેંગના સભ્યો એકબીજાને ઓળખતા નહોતા અને દરેકના 4 થી 5 અલગ-અલગ ઉપનામો હતા. તેઓએ મધ્યપ્રદેશના બોગસ દસ્તાવેજો અને આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
- રેકીની રીત: લૂંટના 45 મિનિટ પહેલા ગ્રાહક બનીને બેંકમાં ઘૂસેલા લૂંટારુઓએ સ્ટાફના છૂપી રીતે ફોટા પણ પાડ્યા હતા.
- 1500 કિમી દૂરથી ધરપકડ: સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1000થી વધુ CCTV ચેક કર્યા બાદ આરોપી શુભમને અયોધ્યા (UP) થી ઝડપી પાડ્યો હતો.
પોલીસ કાર્યવાહી: પોલીસે હાલમાં લોડેડ ઓટોમેટિક પિસ્તોલ કબજે કરી છે. આરોપી શુભમ અગાઉ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ લૂંટમાં વપરાયેલા અન્ય હથિયારો અને બાકીના નાણાં મેળવવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 516 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,200ની નીચે સરક્યો; બેંકિંગ શેરોમાં ભારે વેચવાલી




