Surat Child Trafficking Horror: સુરતમાં બાળ તસ્કરીનું ભયાનક નેટવર્ક 7 વર્ષ પછી પણ ‘સીતારામ સોસાયટી’ બની માસૂમો માટે નરક; 90થી વધુ બાળકો મુક્ત

0
94
Surat Child Trafficking Horror
Surat Child Trafficking Horror

Surat Child Trafficking Horror:  સુરતના પૂણા વિસ્તારમાં ફરી એકવાર માનવ તસ્કરી અને બાળ મજૂરીના કાળા કારોબારનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. રાજસ્થાન બાળ આયોગ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અલગ-અલગ સોસાયટીઓમાંથી 90થી વધુ માસૂમ બાળકોને નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાએ ડિસેમ્બર 2019માં પૂણાની સીતાનગર અને સીતારામ સોસાયટીમાંથી ઝડપાયેલા 134 બાળકોના રેસ્ક્યુ ઓપરેશનની યાદ તાજી કરાવી દીધી છે, જે સાબિત કરે છે કે વર્ષો વીતી જવા છતાં આ કાળી કમાણીની સપ્લાય ચેન હજુ પણ એટલી જ સક્રિય છે.

“Surat Child Trafficking Horror: 100 જેટલા મકાનો ફેંદી માર્યા, 27 મકાનોમાં ચાલતું હતું શોષણ

Surat Child Trafficking Horror

છેલ્લા એક મહિનાથી પોલીસ આ આખા નેટવર્ક પર વોચ રાખી રહી હતી. તાજેતરમાં સુરત પોલીસ અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના 20 સભ્યોની ટીમે પૂર્વ આયોજિત પ્લાનિંગ સાથે પૂણાની સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી અને બિલનાથ સોસાયટી સહિત કુલ 6 જેટલા સંવેદનશીલ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. 17 કલાક લાંબી ચાલેલી આ કામગીરી દરમિયાન પોલીસે આશરે 100 જેટલા મકાનો ફેંદી માર્યા હતા, જેમાંથી ચોંકાવનારી રીતે 27 મકાનોમાં માસૂમ બાળકો પાસે અત્યંત જોખમી પરિસ્થિતિમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. મુક્ત કરાયેલા બાળકોમાં રાજસ્થાન, ઝારખંડ, બિહાર અને યુપીના 7થી 17 વર્ષના સગીરો સામેલ છે.

“Surat Child Trafficking Horror: બાળ તસ્કરોની ભયાનક મોડસ ઓપરેન્ડી: બે પ્રકારે થતું શોષણ

Surat Child Trafficking Horror

રાજસ્થાન બાળ આયોગના પૂર્વ સદસ્ય ડૉ. શૈલેન્દ્ર પંડ્યાના જણાવ્યા અનુસાર, માનવ તસ્કરો મુખ્યત્વે બે પ્રકારના બાળકોને નિશાન બનાવતા હતા:

  1. અનાથ બાળકો (આજીવન ગુલામી): જે બાળકોના માતા-પિતા નથી, તેવા નિરાધાર બાળકો આ વચેટિયાઓ માટે સોનાની મરઘી સમાન છે. કારખાનાના માલિકો અને એજન્ટો આવા બાળકોના નામે એકસાથે મોટી રકમ આપીને તેમને સીધા ખરીદી લે છે. ત્યારબાદ આ બાળકો કાયમ માટે ‘બાઉન્ડેડ લેબર’ (બંધુઆ મજૂર) બની જાય છે અને તેમનું આખું જીવન કારખાનાની ચાર દીવાલો વચ્ચે આજીવન ગુલામીમાં જ પૂરું થઈ જાય છે.
  2. ગરીબ પરિવારોના બાળકો (કોન્ટ્રાક્ટ બેઝ કમિશન): વચેટિયાઓ ગામડાઓમાં જઈ અત્યંત ગરીબ પરિવારોને પૈસાની લાલચ આપી અથવા માતા-પિતાની પરમિશન લઈને બાળકોને સુરત લાવતા હતા. અહીં બાળકનો માસિક પગાર જો ₹10,000 નક્કી થાય, તો વચેટિયો (એજન્ટ) પોતાના કમિશન તરીકે દર મહિને ₹2,000 સીધા ચાઉં કરી જતો હતો. બાકી બચેલી રકમ બાળકના પિતાને દર ત્રણ કે છ મહિને ચૂકવાતી હતી.

“Surat Child Trafficking Horror: અંધારી ઓરડીઓમાં કેદ અને ઢોર વૈતરું

Surat Child Trafficking Horror

સુરતનું પુણા ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે, પણ તેની પાછળ આ માસૂમોની બરબાદ થતી જિંદગી છુપાયેલી છે. મુક્ત કરાયેલા બાળકો પાસે સાડી ફોલ્ડિંગ, ખાટલી વર્ક અને કપડાંના વ્યવસાય સાથે સંકળાયેલી અન્ય જોખમી પ્રક્રિયાઓ કરાવવામાં આવતી હતી. આ બાળકોને પૂરતું ખાવાનું પણ અપાતું નહોતું અને નાની, અંધારી ઓરડીઓમાં ગોંધી રાખવામાં આવતા હતા. સવારથી મોડી રાત સુધી (લગભગ 17 કલાક) કામ કરાવીને માત્ર ₹200 જેવી નજીવી રકમ આપી માસૂમોનું શોષણ કરાતું હતું.

આવી રીતે ફૂટ્યો ભંડો: આ આખા રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બે બાળકો ગમે તેમ કરીને ફેક્ટરીમાંથી ભાગીને પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ બાળકોની આપવીતી સાંભળી તેમની સાથે 5 કિલોમીટર ચાલીને અન્ય બાળકોને પણ મુક્ત કરાવ્યા હતા.

“Surat Child Trafficking Horror: સાત વર્ષ પછી પણ એ જ નરક: તંત્રની ઘોર બેદરકારી

Surat Child Trafficking Horror

આ આખી ઘટનામાં સૌથી ચોંકાવનારો ફેક્ટ એ છે કે, 2019 અને 2026ના બંને દરોડામાં સુરતનો એક જ વિસ્તાર અને ખાસ કરીને સીતારામ સોસાયટી’ બાળ તસ્કરોનું મુખ્ય એપીસેન્ટર સાબિત થઈ છે. સાત-સાત વર્ષના લાંબા સમયગાળા પછી પણ આ વિસ્તારમાં કોઈ જ બદલાવ નથી આવ્યો, જે દર્શાવે છે કે સ્થાનિક તંત્ર અને પોલીસની નાકની નીચે તસ્કરો કેટલા બેફામ થઈને એ જ મકાનોમાં ફરીથી શોષણનું સામ્રાજ્ય ચલાવી રહ્યા હતા.

પુનર્વસન માટે સરકાર અને બાળ આયોગની કવાયત

Surat Child Trafficking Horror

આ રેડ બાદ સુરત પોલીસે ગુનો નોંધીને કારખાનેદારો વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન, બિહાર અને ઝારખંડના અંતરિયાળ ગામડાઓમાં સક્રિય એવા ‘મેટ’ (સ્થાનિક વચેટિયા)ને પકડવા માટે બંને રાજ્યોની પોલીસ હવે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. મુક્ત કરાયેલા તમામ બાળકોને હાલ બસ મારફતે સુરક્ષિત રીતે તેમના વતન મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને ભવિષ્યમાં તેઓ ફરી આ ચક્રમાં ન ફસાય તે માટે તેમને શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે.

જનતાને અપીલ: બાળ મજૂરી દેખાય તો 1098 પર કોલ કરો

Surat Child Trafficking Horror

બાળ મજૂરી એ સામાજિક કલંક છે. જો તમારી આસપાસ કોઈ હોટેલ, ગેરેજ, દુકાન કે કારખાનામાં કોઈ નાનું બાળક મજૂરી કરતું જોવા મળે, તો તાત્કાલિક ભારત સરકારની હેલ્પલાઇન નંબર 1098 પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. તમારી એક નાની સતર્કતા કોઈ માસૂમનું ખોવાયેલું બાળપણ પાછું અપાવી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: SBI ગ્રાહકો માટે એલર્ટ, આવતીકાલથી સતત 6 દિવસ SBI ની બેંકો બંધ રહી શકે છે, આજે જ પતાવી લો જરૂરી કામ