Subhash Bridge Mess: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના અધિકારીઓની ગંભીર બેદરકારી અને ઉતાવળિયા નિર્ણયોના કારણે સુભાષ બ્રિજનો વિવાદ વકર્યો છે. જે બ્રિજને માત્ર રીપેરીંગ કરીને ચાલુ કરી દેવાની યોજના હતી, તે બ્રિજના પિલ્લરોમાં મોટું જોખમ દેખાતા હવે આખો બ્રિજ તોડી પાડીને નવો બનાવવો પડશે. અધિકારીઓએ પૂરતી તપાસ કર્યા વિના જ માત્ર પ્રાથમિક રિપોર્ટના આધારે ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરાવી દીધું હતું, જેને પગલે હવે કરોડો રૂપિયાનો વધારાનો ખર્ચ થશે અને શહેરીજનોને લાંબા સમય સુધી ટ્રાફિકની હાલાકી ભોગવવી પડશે.

Subhash Bridge Mess: માત્ર ‘સેમ્પલ રિપોર્ટ’ના આધારે કરોડોનું ટેન્ડર બહાર પાડી દીધું!
ગયા વર્ષે 4 ડિસેમ્બર, 2025ના રોજ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જવાની અને તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. બ્રિજ 60 વર્ષ જૂનો હોવા છતાં AMCના અધિકારીઓએ તમામ 9 પિલ્લરની ઊંડાણપૂર્વક તપાસ (Detailed Investigation) કરાવવાના બદલે માત્ર 2 થી 3 પિલ્લરના રેન્ડમ સેમ્પલ લઈ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ રિપોર્ટના આધારે માત્ર ઉપરનું માળખું (સુપર સ્ટ્રક્ચર) તોડીને પિલ્લર મજબૂત કરવાનો ઉતાવળિયો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી.

Subhash Bridge Mess: ડિમોલિશન દરમિયાન ભાંડો ફૂટ્યો: બીમ અને ગર્ડરમાં કાટ
જ્યારે બ્રિજના બે સ્પાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગર્ડરમાંથી પોપડા ઉખડવા લાગ્યા હતા અને અંદર પ્રચંડ રસ્ટિંગ (કાટ) જોવા મળ્યું હતું. આ ગંભીર સ્થિતિને જોતા તાત્કાલિક IIT ગાંધીનગર અને IIT રૂડકી સહિતના નિષ્ણાંતો પાસે ઊંડાણપૂર્વકનો રિપોર્ટ કરાવવામાં આવ્યો. કન્સલ્ટન્ટ્સે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે બ્રિજના પિલ્લર પણ હવે સુરક્ષિત નથી, તેથી માત્ર સુપર સ્ટ્રક્ચર બદલવાના બદલે આખો બ્રિજ પિલ્લર સહિત સંપૂર્ણપણે તોડી પાડીને નવો બનાવવો જ હિતાવહ છે, જેથી તે આગામી 100 વર્ષ સુધી ટકી શકે.

Subhash Bridge Mess: ભાજપના શાસકો અને પદાધિકારીઓને પણ અંધારામાં રાખ્યા!
આ સમગ્ર મામલે AMCના વહીવટી તંત્ર અને રાજકીય પાંખ વચ્ચે સંકલનનો મોટો અભાવ જોવા મળ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઇજનેર વિભાગને બ્રિજ આખો તોડવો પડશે તેવી સ્થિતિની જાણ હોવા છતાં, તેમણે મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મુખ્ય પદાધિકારીઓને પણ અંધારામાં રાખ્યા હતા. મેયર અને ચેરમેનને આ અંગે મીડિયા દ્વારા ખબર પડી હતી! ત્યારબાદ આજે 25 જૂનના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓ દ્વારા આ મામલે વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેને પગલે શાસક પક્ષના હોદ્દેદારોમાં અધિકારીઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
Subhash Bridge Mess: બ્રિજ બનવાનો ખર્ચ અને સમય બંને વધશે
સુભાષ બ્રિજને નવો અને પહોળો કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 235 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. અગાઉ આ બ્રિજ જાન્યુઆરી 2027 સુધીમાં (9 મહિનામાં) તૈયાર કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હવે આખો બ્રિજ તોડવાના નિર્ણયના કારણે:
- બ્રિજ બનવાની સમયમર્યાદા વધુ 6 મહિના લંબાશે, એટલે કે હવે તે અંદાજિત 16 મહિના (એપ્રિલ અથવા મે મહિના) માં તૈયાર થશે.
- ડિમોલિશન અને નવી કામગીરી પાછળ 5 કરોડ રૂપિયાથી વધુનો વધારાનો ખર્ચ થશે.
મુખ્ય સવાલ: લોકોની સુરક્ષા સાથે જોડાયેલા આટલા મહત્વના પ્રોજેક્ટમાં શા માટે પહેલા જ ડિટેઈલ ઈન્વેસ્ટિગેશન ન કરાયું? અધિકારીઓને પ્રાથમિક રિપોર્ટના આધારે કામ શરૂ કરવાની એવી તે શું ઉતાવળ હતી કે આજે જનતાના કરોડો રૂપિયા અને સમયનો બગાડ થઈ રહ્યો છે?
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




