Safety at Risk: જામનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પોલીસની ઝુંબેશ તેજ બની છે. જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સિટી બી. ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેડેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે.

Safety at Risk: શું હતી સમગ્ર ઘટના?
ગઈકાલે તા. 20 એપ્રિલ 2026ના રોજ સવારે પોલીસને બાતમી મળી હતી કે બેડેશ્વર વિસ્તારમાં આવેલી સંજય મીલની પાછળની ગલીમાં જાહેરમાં ગેસ રીફિલિંગનું કામ ચાલી રહ્યું છે. પોલીસની ટીમે દરોડો પાડતા મનસુખભાઈ રામાભાઈ સોલંકી (ઉ.વ. 34) નામનો શખ્સ કોઈપણ સુરક્ષાના સાધનો વિના ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં ગેસ ટ્રાન્સફર કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
Safety at Risk: મુદ્દામાલની જપ્તી
પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
- ગેસના ભરેલા બાટલા: 4 નંગ
- અર્ધભરેલો બાટલો: 1 નંગ
- ખાલી બાટલા: 3 નંગ
- લોખંડની નોઝલ: 2 નંગ
- કુલ કિંમત: આશરે ₹16,100
લોકોના જીવનું જોખમ અને કાયદેસરની કાર્યવાહી
આરોપી દ્વારા રહેણાંક વિસ્તારમાં જાહેરમાં ગેસ રીફિલિંગ કરવામાં આવતું હતું. આ પ્રક્રિયા દરમિયાન આગ લાગવાનો કે બ્લાસ્ટ થવાનો મોટો ખતરો રહેલો હોવાથી આસપાસના લોકોના જીવને પણ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 287 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જામનગર SOG અને સિટી બી. ડિવિઝન પોલીસની આ સફળ કામગીરીથી ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




