Rupala : પુરુષોત્તમ રુપાલા સામે રાજકોટમાં 100 ક્ષત્રિય મહિલાઓ નોંધાવશે ઉમેદવારી

0
272

Rupala : લોકસભા ચૂંટણી માટે રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાએ રાજૂપત સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણીઓ મુદ્દે વિરોધનો સૂર હવે ઠેર ઠેરથી ઉઠવા માંડ્યો છે અને મોટા ભાગના જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે.  ક્ષત્રિય સમાજ તરફથી પુરુષોત્તમ રુપાલાની ઉમેદવારી ભાજપ રદ કરે તેવી માગણી કરવામાં આવી  રહી છે.

Rupala

Rupala : ભાજપના રાજકોટ ખાતેના લોકસભાના ઉમેદવાર  પુરુષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ વિશે તેમના ભાષણમાં કરેલી ટિપ્પણીઓ મુદ્દે ક્ષત્રિય સમાજ વિરોધના સૂર આલાપી રહ્યો હતો. ક્ષત્રિય સમાજની મહિલાઓએ હવે સીધા જ આ લડાઈમાં  ઉતરવાનું નક્કી કર્યુ હોય તેમ રાજપૂત સમાજના મહિલા અગ્રણી તૃપ્તિબા રાઓલે નવી રણનિતીની જાહેરાત કરી છે. જે મુજબ જો પુરુષોત્તમ રુપાલાની ટિકીટ રદ નહી કરવામાં આવે તો રાજકોટમાંથી એકસાથે 100 ક્ષત્રિય મહિલાઓ તેની સામે ઉમેદવારી કરશે. જો 100થી વધુ ઉમેદવારો થાય તો ચૂંટણી પંચે બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે. તૃપ્તિબાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે રાજપૂતો હંમેશા  ઈતિહાસ લખતા આવ્યા છે અને આ વખતે લોકસભા ચૂંટણીમાં એકસાથે એકસો ક્ષત્રિય મહિલાઓ ઉમેદવારી કરીને નવો ઈતિહાસ રચશે.

Rupala

Rupala : રુપાલા સામેનો આ વિરોધ જોકે હવે રાજકોટ અને સૌરાષ્ટ્ર પુરતો મર્યાદિત નહી રહેતા વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. સાણંદમાં ક્ષત્રિય સમાજે બકુલસિંહ વાઘેલાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીના રાજપૂતોએ સભા આયોજીત કરી હતી અને બાદમાં  હિમંતનગર કલેક્ટરને આવેદનપત્ર આપી રુપાલાની ઉમેદવારી રદ કરવા માગણી કરી હતી. બનાસકાંઠા રાજપૂત સમાજે પણ આક્રોશ સાથે રેલી આયોજીત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

Rupala

ભાવનગરા રાજવી જયવિરરાજસિંહ ગોહિલે પણ રુપાલાના નિવેદન સામે વિરોધનો સુર વ્યક્ત કરી કહ્યુ હતુ કે ક્ષત્રિય સમાજ વિશે જે ખોટુ નિવેદન કર્યુ છે તેનો વિરોધ છે અને આવા લોકોને ક્યારેય માફ ન કરવા જોઈએ. દેત્રોજ મામલતદાર ઓફિસ ખાતે પણ રુપાલાના વિરોધમાં ચુંવાળ ચોર્યાસી રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. સુરતમાં સમસ્ત ક્ષત્રિય અને રાજપૂત સમાજે તેમજ પાટણમાં પાટણ જિલ્લા રાજપૂત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

Rupala : કેટલાક જિલ્લાઓમાં મંગળવારે સભા અને વિરોધ પ્રદર્શનના આયોજનો

Rupala

પુરુષોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આક્રોશની આગ ઠરવાનુ નામ નથી લેતી અને આજે વિવિધ જિલ્લાઓમાં ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનો થયા તો કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે એટલે કે મંગળવારે પણ સભા સહિતના આયોજનો કરાયા છે. જેમાં ભાવનગરમાં ગોહિલવાડ રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેનાના ઉપક્રમે વિશાળ સંમેલનનુ આયોજન કરાયુ છે. સંમેલન બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવશે. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા તેમજ આ સભાની યુવા અને મહિલા પાંખ ઉપરાંત કચ્છ રાજપૂત કરણી સેનાના ઉપક્રમે કલેક્ટરને બુધવારે આવેદનપત્ર આપવામાં આવશે.

Rupala : રુપાલાની આગે ભાજપના પ્રચારકોને પણ દઝાડ્યાઃ પ્રચારકોને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશબંધી

Rupala

પુરુષોત્તમ રુપાલા સામેનો વિરોધ એટલો ઉગ્ર બન્યો છે કે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો ભાજપના અન્ય ઉમેદવારોને કે પ્રચારકોને ગામડામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મોરબીના ટંકારામાં, ટંકારાના નાના રામપર ગામમાં, જામનગરમાં હાડાટોડા, સરમત અને ખિલોસ ગામમાં, ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામમાં અને કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ગામ સહિતના ગામોમાં જ્યાં સુધી પુરુષોત્તમ રુપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ભાજપના ઉમેદવારો કે પ્રચારકોને ગામમા પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો