Rajkot Shocker: રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક શુક્રવારે સાંજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ભારત પેટ્રોલિયમનું ટેન્કર, એક ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ઘટનાસ્થળે જ ચાર મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કારનો કૂરચો બોલી ગયો હતો, જ્યારે ટ્રક રોડની વચ્ચે ડિવાઈડર પર પલટી મારી ગઈ હતી.

Rajkot Shocker: ફેક્ટરીએથી નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતા નડ્યો કાળ
મળતી માહિતી મુજબ, મૃતકો અને ઈજાગ્રસ્તો ચોટીલાના મોટી મોલડી ગામના વતની હતા અને ડાભી તેમજ મેઘાણી પરિવારના સભ્યો હતા. આ શ્રમિકો કુચિયાદડ જીઆઇડીસીમાં આવેલી બેગ બનાવવાની એક ફેક્ટરીમાં નોકરી કરતા હતા. રોજની જેમ તેઓ નોકરી પૂરી કરીને ઈકો કારમાં પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન કાળમુખા ટેન્કરે કારને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કારમાંથી કચડાયેલી હાલતમાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

Rajkot Shocker: મહિલાઓ અને બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન
અકસ્માત બાદ ઘટનાસ્થળે પળવારમાં કલ્પાંત મચી ગયો હતો. અકસ્માત જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને હાઈવે પર લાગેલો ભારે ટ્રાફિક જામ હળવો કર્યો હતો.

Rajkot Shocker: અકસ્માતમાં ભોગ બનનાર કમનસીબ મૃતકો અને ઈજાગ્રસ્તોની યાદી
મૃતકોના નામ:
- ભાવિષાબેન રમેશભાઈ ડાભી (ઉંમર વર્ષ ૧૮)
- ધૂનાબેન દિનેશભાઈ ડાભી (ઉંમર વર્ષ ૨૫)
- લાભુબેન વિનુભાઈ મેઘાણી (ઉંમર વર્ષ ૫૫)
- વિલાશબેન વિનુભાઈ મેઘાણી (ઉંમર વર્ષ ૨૨)

ઈજાગ્રસ્તોના નામ (હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ):
- રમેશભાઈ ગગજીભાઈ ડાભી
- લીલાબેન રમેશભાઈ ડાભી
- પુરીબેન દિનેશભાઈ ડાભી
- શ્રદ્ધાબેન દિનેશભાઈ ડાભી
- પ્રકાશભાઈ વિનુભાઈ મેઘાણી

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
કોલકાતાની સરકારી ઇમારતમાં ભીષણ આગ: 4,000 EVM બળીને ખાક, કાવતરાની આશંકાએ રાજકીય ગરમાવો




