Rajkot Double Murder: રાજકોટ શહેરમાંથી એક અત્યંત હચમચાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના ગોપાલ ચોક નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં કૌટુંબિક મિલકતમાં ભાગ બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા કૌટુંબિક ભત્રીજાએ પોતાના જ બે સગા કાકાઓને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. એક જ પરિવારના બે સગા ભાઈઓના મોતથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે.

Rajkot Double Murder: મિલકતના ભાગ બાબતે બોલાચાલી અને લોહિયાળ ઝઘડો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના ધુધાળા ગામના વતની અને ખેતીકામ તથા માલઢોર ઉછેર સાથે સંકળાયેલા સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને તેમના ભાઈઓનો પરિવાર રાજકોટમાં રહે છે. ગત 19 જુલાઈની રાત્રે 1 વાગ્યાની આસપાસ કૌટુંબિક ભત્રીજો હાર્દિક ધોળકિયા રાજેશભાઈના ઘર પાસે આવીને મોટેથી ગાળાગાળી કરવા લાગ્યો હતો.
આ અંગે જાણ થતાં સુરેશભાઈનો પુત્ર લાખાભાઈ અને તેના પિતા તથા અન્ય સગાંઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યારે હનુભાઈ નાજાભાઈ ધોળકિયા હાર્દિકને સમજાવવા માટે તેની નજીક ગયા, ત્યારે તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને “અમારો ભાગ કેમ આપતા નથી?” તેમ કહીને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો.

Rajkot Double Murder: બે સગા કાકાઓ પર છરીના આડેધડ ઘા ઝીંક્યા
મામલો વધુ થાળે પાડવા માટે સુરેશભાઈ અને તેમના ભાઈઓ વચ્ચે પડ્યા ત્યારે આરોપી હાર્દિકે ઉશ્કેરાઈને તેના પડખામાંથી છરી કાઢી લીધી હતી. તેણે સુરેશભાઈની છાતીના ભાગે એક જીવલેણ ઘા મારતા તેઓ અચાનક જ જમીન પર ફસડાઈ પડ્યા હતા.
આ જોઈને બીજા કાકા રાજેશભાઈ વચ્ચે બચાવવા માટે પડતા, હાર્દિકે તેમના પર પણ છરી વડે છાતી, પેટ, જાંઘ અને હાથ સહિતના શરીરના જુદા-જુદા ભાગો પર આડેધડ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. આ મારામારીમાં પિતા અને કાકાને છોડાવવા વચ્ચે પડેલા ફરિયાદી લાખાભાઈને પણ પીઠ પર, ડાબા હાથ પર અને જમણી હથેળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બંને સગા ભાઈઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા.

Rajkot Double Murder: સામાપક્ષે પણ નોંધાઈ હત્યાની કોશિશની ફરિયાદ
આ લોહિયાળ સંઘર્ષમાં સામે પક્ષે આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા (ઉં.વ.27) પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાર્દિક દ્વારા પણ મૃતક સુરેશભાઈ ઉર્ફે સુરાભાઈ બાલાભાઈ ધોળકિયા, લાખા સુરેશભાઈ ધોળકિયા, રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને શિવા નથુભાઈ ડોંડા સામે છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડ્યાની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




