ગૌતમ અદાણી પર રાહુલ ગાંધીનો જોરદાર પ્રહાર, કહ્યું – કોલસા કારોબારમાં ગેરરીતિ કરી આચર્યું 32 હજાર કરોડનું કૌભાંડ

0
66
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપ પર 32 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું, ‘વીજળીનું બિલ (Electricity Bill) વધારવા પાછળ અદાણી ગ્રુપનો હાથ છે. ઈન્ડોનેશિયામાં કોલસો ખરીદવામાં આવે છે અને ભારતમાં તેનો દર બમણો થઈ જાય છે, પીએમ મોદી (PM Modi) અદાણીનું રક્ષણ કરી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોમાં તપાસ થઈ રહી છે, પરંતુ ભારતમાં અદાણીને બ્લેન્ક ચેક આપવામાં આવ્યો છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે.’

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવીને મોદી સરકારને ઘેરી છે. વિદેશી અખબાર (લંડન) ફાઈનાન્સિયલ ટાઈમ્સને ટાંકીને રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે અદાણી ગ્રુપ પર 32 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “પહેલા અમે 20 હજાર કરોડ રૂપિયાની વાત કરી હતી અને સવાલ પૂછ્યો હતો કે, આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. હવે સામે આવ્યું છે કે, 20 હજાર કરોડ રૂપિયાનો આંકડો ખોટો હતો અને 12 હજાર કરોડ રૂપિયા તેમાં ઉમેરો થયો છે, અને કુલ આંકડો 32 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વીજળીનું બિલ વધારવા પાછળ અદાણી ગ્રુપનો હાથ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અદાણી જી ઈન્ડોનેશિયામાં કોલસો ખરીદે છે અને ભારતમાં તેનો દર બમણો થઈ જાય છે, તેઓ કોલસાના ભાવને ખોટી રીતે રજૂ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘લોકો વીજળીની સ્વીચ ચાલુ કરે કે, તરત જ પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. ભારતના પીએમ અદાણીનું રક્ષણ કરી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોમાં તપાસ થઈ રહી છે, પરંતુ ભારતમાં અદાણીને બ્લેન્ક ચેક આપવામાં આવ્યો છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. લોકોએ 32 હજાર કરોડ રૂપિયાનો આંકડો યાદ રાખવો જોઈએ. પીએમ અદાણીની તપાસ કેમ કરાવતા નથી?

રાહુલે કહ્યું કે, અદાણી જે ઇચ્છે છે તે તેને મળે છે. અદાણીમાં એવું શું છે કે, વર્તમાન મોદી સરકાર અદાણીની તપાસ કરાવી શકતી નથી, તેની પાછળ શું શક્તિ છે? આ શક્તિને આખો દેશ જાણે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અદાણી મુદ્દે ઈન્ડિયા ગઠબંધન એકજૂટ હોવા છતાં તેઓ શરદ પવારની અદાણી સાથેની બેઠક પર સવાલ કેમ ઉઠાવતા નથી? આ સવાલના જવાબમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘મેં શરદ પવારને પૂછ્યું નથી. કારણ કે, તે ભારતના વડાપ્રધાન નથી. શરદ પવાર બચાવ પણ કરી રહ્યા નથી. જો શરદ પવાર ભારતના પીએમ તરીકે બેઠા હોત અને અદાણીનું રક્ષણ કરતા હોત તો હું આ પ્રશ્ન શરદ પવારને પણ પૂછતો હોત. જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું ઈન્ડિયા ગઠબંધન સરકાર સત્તામાં આવશે તો અદાણી બિઝનેસ કરી શકશે? શું સરકાર તેમની તપાસ કરાવશે? આના પર વાયનાડના સાંસદે કહ્યું, ‘અમે ચોક્કસથી તપાસ કરાવીશું, આ માત્ર અદાણીજી વિશે નથી. જો કોઈ પણ 32 હજાર કરોડ રૂપિયાની ચોરી કરશે, તો તેની તપાસ જરૂર કરવામાં આવશે.