Private Schools:ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા નક્કી કરાયેલી ફી છુપાવીને વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા અને પારદર્શિતા લાવવા માટે FRCએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની કુલ 5,780 ખાનગી સ્કૂલોની નિયત ફી હવે FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલીઓ-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી સરળતાથી જોઈ શકશે.

Private Schools:વધારાની ફી વસૂલાતી હોવાની વાલીઓની ફરિયાદોનો અંત
લાંબા સમયથી વાલીઓ દ્વારા એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વધારાની ફી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો કરવામાં આવતી હતી. અમદાવાદ ઝોનની વાત કરીએ તો, શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે અને છેતરપિંડીનો ભોગ બનવાથી બચી શકશે.
Private Schools:નવા ઓર્ડરમાં ટર્મ કે એડમિશન ફીની અલગથી છૂટ નથી
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ FRC દ્વારા ફી વસૂલાતની સ્થિતિ વધુ કડક બનાવવામાં આવી છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે, નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.
Private Schools:નોટિસ બોર્ડ પર ફીના ઓર્ડર લગાવવાની સૂચનાનું પાલન થતું નહોતું
અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું, જેના પરિણામે વાલીઓ અજાણ રહેતા હતા. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.
તમારા સંતાનની સ્કૂલ ફી આ રીતે કરો ચેક: તમારા સંતાનની શાળાની ફી ઓનલાઇન જાણવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
- વેબસાઇટની મુલાકાત લો: સૌથી પહેલા frcgujarat.org પર જાઓ.
- વિગતો પસંદ કરો: તમારો જિલ્લો, મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ અને માધ્યમ (Medium) પસંદ કરો.
- શાળા શોધો: તમારી શાળાનું નામ એન્ટર કરી ‘View Fee’ બટન પર ક્લિક કરો.
- ફીનું ટેબલ: તમારી સામે ધોરણ મુજબ મંજૂર થયેલી ફીનું આખું ટેબલ ખુલી જશે.

VR LIVE ન્યૂઝ દ્વારા આ જનહિતકારી માહિતી વાલીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




