Pardi Police Crackdown: વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મધરાતે એક મોટી કાર્યવાહી કરીને જુગાર રમતા તત્વોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પારડી પોલીસની ટીમ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી એક ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભેસલાપાડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ત્રણ જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા હતા.
Pardi Police Crackdown: ઓટલા પર લાઈટના અજવાળામાં ચાલતી હતી હાર-જીતની બાજી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભેસલાપાડા વિસ્તારમાં આવેલા બિપીન મદારભાઈના ઘરના ખુલ્લા ઓટલા પર કેટલાક ઈસમો લાઈટના અજવાળામાં ગંજીપાના વડે હાર-જીતનો મોટો જુગાર રમી રહ્યા હતા. બાતમી પાકી હોવાથી પોલીસે આયોજનબદ્ધ રીતે આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને અચાનક ત્રાટકીને જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને આબાદ ઝડપી લીધા હતા. જોકે, પોલીસને અચાનક સામે જોઈને જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી, જેમાં અન્ય ત્રણ આરોપીઓ રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
Pardi Police Crackdown: રોકડ, મોબાઈલ અને મોપેડ સહિત ₹૧.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત

પારડી પોલીસે ઘટનાસ્થળેથી પકડાયેલા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં: ૧. નિકુલકુમાર ધનસુખભાઈ રાણા
૨. હેમલ નરેશભાઈ કોળી પટેલ
૩. સલમાન હૈદર શેખ
નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પરથી કુલ ₹૫૯,૭૩૦ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી ₹૧૫,૦૦૦ની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન અને ₹૮૦,૦૦૦ની કિંમતના બે મોપેડ વાહનો (એક સુઝુકી બર્ગમેન અને અન્ય એક સુઝુકી મોપેડ) મળીને કુલ ₹૧,૫૪,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Pardi Police Crackdown: ભાગી છૂટેલા ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર

બીજી તરફ, રેડ દરમિયાન પોલીસને ચકમો આપીને નાસી છૂટેલા ત્રણ શખ્સો: ૧. લતેશ
૨. બિપીન ઉર્ફે કાળીયો
૩. નિમેષ પટેલ
ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પારડી પોલીસે પકડાયેલા અને ફરાર થયેલા તમામ છ શખ્સો વિરૂદ્ધ જુગારધારી ધારાની કલમ-૧૨ મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કપડવંજ પંથકમાં ભારે વરસાદી આફત, વીજળી પડતાં બે પશુઓના મોત, મકાનની છત તૂટતાં પરિવારનો આબાદ બચાવ




