Panchmahal News:ગોધરા શહેરમાં પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સંસ્થાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દ્વિદિવસીય કાર્યક્રમ અંતર્ગત શુક્રવાર, 9 જાન્યુઆરી 2026ના રોજ બાઇક એકતા રેલી અને રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં ઉત્સાહ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

Panchmahal News:1925માં સ્થાપિત સંસ્થા, સમાજના સર્વાંગી વિકાસનો ઉદ્દેશ
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને ગોધરા વિધાનસભાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની રાજપૂત સંસ્થા તરીકે પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજની સ્થાપના 25 ડિસેમ્બર, 1925ના રોજ ‘રેવાકાંઠા રાજપૂત પરિષદ’ તરીકે કરવામાં આવી હતી. સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસના હેતુથી આ સંસ્થા કાર્યરત છે.
ડિસેમ્બર 2025માં સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતાં આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Panchmahal News:ગોધરા શહેરમાં ભવ્ય બાઇક એકતા રેલી
શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિશાળ બાઇક એકતા રેલી ગોધરા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન શિસ્તબદ્ધ રીતે ભાગ લેનારા યુવાઓ અને સમાજના સભ્યો દ્વારા એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શહેરના નગરજનોએ સ્થળે સ્થળે રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
લોકડાયરામાં કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરનું મનમોહક પ્રદર્શન
રાત્રિના સમયે ગોધરા શહેરના ન્યૂ ઇરા સ્કૂલના મેદાનમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી અને લોકપ્રિય કલાકાર માયાભાઈ આહિરે લોકગીતો અને લોકસંગીત દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોનું મનોરંજન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ લોકડાયરાનો આનંદ લીધો હતો.

આવતીકાલે 51 કુંડી મહાગાયત્રી યજ્ઞ અને સન્માન સમારોહ
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજના હોદ્દેદારોએ માહિતી આપી હતી કે, શનિવારે શતાબ્દી મહોત્સવ અંતર્ગત 51 કુંડી મહાગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવશે. યજ્ઞ બાદ સમાજના શ્રેષ્ઠીઓ અને વિદ્વાનોનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના રાજપૂત સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
વિવિધ સમાજો દ્વારા ભવ્ય સ્વાગત
આ શોભાયાત્રા અને મહોત્સવ પ્રસંગે પાટીદાર સમાજ, કાછીયા પટેલ સમાજ, સોની સમાજ, વૈષ્ણવ વણિક સમાજ, બ્રહ્મ સમાજ, જૈન સમાજ, સિંધી સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર તથા જિલ્લાના અનેક નાગરિકો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.




