No Attendance, No Grant: ગુજરાત સરકારએ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને લઈને મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટનો સીધો સંબંધ વિદ્યાર્થીઓની વર્ગખંડમાં વાસ્તવિક હાજરી સાથે રહેશે. માત્ર દાખલ સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવાની પદ્ધતિમાં ફેરફાર કરીને હાજરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ લઘુમતી શાળાઓ સહિત તમામ ગ્રાન્ટેડ શાળાઓ માટે આ નિયમ ફરજિયાત રહેશે. જો નિર્ધારિત ટકાવારી મુજબ વિદ્યાર્થીઓની હાજરી નહીં રહે, તો શાળાને મળતી ગ્રાન્ટમાં ભારે કાપ મૂકવામાં આવશે, જે કેટલીક પરિસ્થિતિમાં 100 ટકા સુધી પહોંચી શકે છે.

No Attendance, No Grant: શહેરી શાળાઓ માટે કડક માપદંડ
શહેરોમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછી 80 ટકા વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે. જો હાજરી 80 ટકાથી ઓછી રહેશે, તો શાળાને મળતી ગ્રાન્ટમાંથી 25 ટકા કાપી લેવામાં આવશે. સૌથી કડક જોગવાઈ મુજબ, જો વિદ્યાર્થીઓની હાજરી 60 ટકા કરતાં પણ ઓછી નોંધાશે, તો તે શાળાની સંપૂર્ણ 100 ટકા ગ્રાન્ટ બંધ કરવામાં આવશે.
No Attendance, No Grant: ગ્રામ્ય વિસ્તારો માટે અલગ નિયમ
ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ ત્યાં અલગ માપદંડ નક્કી કર્યા છે. ગામડાની ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછી 55 ટકા હાજરી જરૂરી રહેશે. જો કોઈ શાળામાં હાજરી 40 ટકાથી નીચે ઉતરી જશે, તો સરકાર કડક કાર્યવાહી કરી શાળાની સંપૂર્ણ ગ્રાન્ટ અટકાવી દેશે.

સરકારનો ઉદ્દેશ્ય શું?
આ નિર્ણયનો મુખ્ય હેતુ માત્ર કાગળ પર ચાલતી શાળાઓ પર રોક લગાવવાનો અને વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળામાં હાજર રાખવાનો છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે વધુ જવાબદાર બનશે.
સરકારના આ નિર્ણયથી હવે સ્પષ્ટ સંદેશ મળે છે કે ગ્રાન્ટ મેળવવી હોય તો શાળાઓએ માત્ર દાખલ સંખ્યા નહીં, પરંતુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી પણ સુનિશ્ચિત કરવી પડશે.
આ પણ વાંચો :T20 World Cup 2026:T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર




