Nirlipt Rai Takes Charge: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા એકસાથે 37 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા જે નામની થઈ રહી છે તે છે નિર્લિપ્ત રાય. પોતાની કડક છબી અને પ્રામાણિકતા માટે જાણીતા IPS નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી (IG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Nirlipt Rai Takes Charge: ગુનેગારો અને માફિયાઓમાં ભયનો માહોલ
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા તરીકે રાજ્યભરમાં બૂટલેગરો અને જુગારધામો પર તવાઈ બોલાવનાર નિર્લિપ્ત રાય હવે રાજકોટ રેન્જનું સુકાન સંભાળશે. આ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવા સંવેદનશીલ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ખનીજ માફિયાઓ અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં આ નિમણૂકથી ફફડાટ વ્યાપી ગયો છે.
Nirlipt Rai Takes Charge: ગોંડલ-રીબડાના જંગ વચ્ચે ‘જાંબાઝ’ની એન્ટ્રી
છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લાના ગોંડલ અને રીબડા વચ્ચે જે રાજકીય અને જૂથવાદનો વિવાદ ચાલી રહ્યો છે, તેની વચ્ચે નિર્લિપ્ત રાયની એન્ટ્રી મહત્વની મનાય છે.
- નિખીલ દોંગાની પોસ્ટ: પાટીદાર નેતા નિખીલ દોંગાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, “એક શક્તિશાળી બાહુબલી નેતાએ આ બદલી રોકવા એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ સરકારના મક્કમ નિર્ણય સામે તેમનું કાંઈ ચાલ્યું નહીં.”
- જયરાજસિંહનો પક્ષ: બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે તેમણે પોતે જ ગૃહમંત્રી પાસે માગણી કરી હતી કે આગામી ચૂંટણીને ધ્યાને રાખી કોઈ નિષ્પક્ષ અને કડક અધિકારીની નિમણૂક કરવામાં આવે.

Nirlipt Rai Takes Charge: નિર્લિપ્ત રાયનો ભવ્ય ટ્રેક રેકોર્ડ
નિર્લિપ્ત રાય જે પણ જિલ્લામાં જાય છે ત્યાં ગુનેગારોની સાથે ભ્રષ્ટ પોલીસકર્મીઓ પણ ફફડે છે. તેમના કેટલાક મોટા ઓપરેશન્સ:
- અમરેલી SP તરીકે: ફરજમાં બેદરકાર 130 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.
- GUJCTOC હેઠળ કાર્યવાહી: લેડી ડોન સોનુ ડાંગર અને શિવરાજ વીંછીયાની ગેંગ સામે આકરા પગલાં લીધા હતા.
- SMC વડા તરીકે: બૂટલેગર વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરાવી હતી.
Nirlipt Rai Takes Charge: સૌરાષ્ટ્રની તમામ રેન્જમાં નવા વડા
રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને ભાવનગર રેન્જમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે:
- રાજકોટ રેન્જ: અશોકકુમાર યાદવની જગ્યાએ નિર્લિપ્ત રાય.
- જૂનાગઢ રેન્જ: નિલેશ જાજડીયાની જગ્યાએ રાજેન્દ્રસિંહ ચુડાસમા.
- ભાવનગર રેન્જ: ગૌતમ પરમારની જગ્યાએ આર.વી. અસારી.
- રાજકોટ એડિ. પોલીસ કમિશનર: મહેન્દ્ર બગરીયાના સ્થાને ચૈતન્ય માંડલિક.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સરકારનો આ નિર્ણય સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના સંકેત આપી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




