HomeGujaratNH-48 Horror: NH-48 પર કાળમુખી કારની ટક્કરે EV ટેમ્પોના બે કટકા, APMCથી...

NH-48 Horror: NH-48 પર કાળમુખી કારની ટક્કરે EV ટેમ્પોના બે કટકા, APMCથી શાકભાજી લઈને પરત ફરતા આધેડનું કરુણ મોત, પાડોશીઓનો ભારે આક્રોશ

NH-48 Horror: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાની કપુરાઇ ચોકડી પાસે ૨૧ જૂનને રવિવારની વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી નેક્સોન કારે એક ઈલેક્ટ્રિક ટેમ્પોને એટલી પ્રચંડ ટક્કર મારી હતી કે ટેમ્પોના લોખંડી બોડીના બે કટકા થઈ ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં ટેમ્પો ચલાવી રહેલા ૫૦ વર્ષીય શાકભાજીના વેપારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક પાડોશીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાઈવે પર થતી બેદરકારી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

NH-48 Horror

NH-48 Horror: સયાજીપુરા APMCથી ધંધાનું શાકભાજી લઈને ઘરે પરત ફરતા નડ્યો કાળ

પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરાના તરસાલી વડદલા રોડ પર આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતા ૫૦ વર્ષીય અશોકભાઈ વાલિયા શાકભાજીનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ વહેલી સવારે પોતાના ઇલેક્ટ્રિક ટેમ્પોમાં શાકભાજી ખરીદવા માટે સયાજીપુરા APMC માર્કેટ ગયા હતા. માર્કેટથી શાકભાજી ભરીને જ્યારે તેઓ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા જયરાજસિંહ મહાડીક નામના કારચાલકે પોતાની નેક્સોન કાર પૂરપાટ ઝડપે ચલાવી અશોકભાઈના ટેમ્પોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અશોકભાઈ ટેમ્પોમાંથી હવામાં ઉછળીને નીચે પટકાયા હતા અને ઘટનાસ્થળે જ તેમનો જીવ ચાલ્યો ગયો હતો.

NH-48 Horror

NH-48 Horror: “શાકભાજીના ધંધા પર જ આખા ઘરનું ગુજરાન ચાલતું હતું, જીવતા માણસને લાશ બનાવી દીધો”

અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલા મૃતકના પાડોશી મનીષાબેને રડતા અવાજે તંત્ર અને અમીર નબીરાઓ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે:

“અશોક કાકા ખૂબ જ ગરીબ અને શાંત સ્વભાવના માણસ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને નાના-નાના છોકરાઓ છે. આખા ઘરનું ગુજરાન આ શાકભાજીના ધંધા પર જ ચાલતું હતું. બિચારા રોજ સવારે વહેલા ઉઠીને શાકભાજી લાવતા હતા. તેઓ પોતાની સાઈડમાં એકદમ શાંતિથી આવી રહ્યા હતા ત્યારે આ કારે તેમને ઉડાવી દીધા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનો અડધો ભાગ આ બાજુ અને અડધો ભાગ દૂર જઈને પડ્યો છે! એક જીવતા જાગતા માણસને લાશ બનાવી દીધો. અમીર લોકો પાસે શું ગાડીઓ ખાલી ફાસ્ટ ચલાવવા માટે જ હોય છે? ગાડી લીધી છે તો શાંતિથી ચલાવોને, રસ્તા પર બધાને જીવવાનો હક છે.”

તેમણે હાઈવેની ટ્રાફિક વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા વધુમાં ઉમેર્યું કે, “અહીં રોંગ સાઈડ પરથી જવાનો રસ્તો બનાવી દીધો છે, જ્યાં ટ્રક અને કાર પણ ફૂલ સ્પીડમાં ચાલે છે. આવા બેદરકારો કોઈ ગરીબને મારીને કેવી રીતે સુખી રહેશે?”

NH-48 Horror

NH-48 Horror: પોલીસે આરોપી કારચાલકની કરી ધરપકડ

ઘટનાની જાણ થતાં જ કપુરાઇ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અશોકભાઈના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર નેક્સોન કારના ચાલક જયરાજસિંહ મહાડીકની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

‘બેગ લઈને ઘરે આવું છું’ કહી નીકળેલા ૩૨ વર્ષીય યુવકની પકવાન બ્રિજ પરથી લોહીલુહાણ લાશ મળી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments