NEETExamResults : મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UG 2024ના પરિણામોમાં થયેલી ગોટાળાથી વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ છે. હવે NEET પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર આજે સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ જારી કરીને તેનો જવાબ માંગ્યો છે.
NEETExamResults : શું છે અરજીમાં ?
NEET UG પ્રશ્નપત્ર લીક થવાના અહેવાલો વચ્ચે, ઉમેદવારોના એક જૂથે NEET-UG 2024 પરીક્ષા નવેસરથી આયોજિત કરવાની માગણી કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ગેરરીતિઓનો આરોપ લગાવતા, કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે કે NEET UG 2024નું પરિણામ પાછું ખેંચી લેવામાં આવે અને પરીક્ષા ફરીથી લેવામાં આવે. તમને જણાવી દઈએ કે, NEETની પરીક્ષા 5 મેના રોજ યોજાઈ હતી અને પરિણામ 4 જૂને આવ્યું હતું. ત્યારપછી ઘણી ફરિયાદો સામે આવી હતી, જેમાં પેપર લીકની વાત કહેવામાં આવી હતી.
NEETExamResults : કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો સુપ્રીમનો ઇનકાર
મંગળવારે સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી પણ ઝટકો લાગ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશન બેન્ચે MBBS, BDS અને અન્ય કોર્સમાં પ્રવેશ માટે લાયક ઉમેદવારોની કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. તેણે પરીક્ષા રદ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.
અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ મેથ્યુ જે નેદુમપરાએ બેન્ચને કાઉન્સેલિંગ પ્રક્રિયા પર રોક લગાવવા વિનંતી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે કાઉન્સેલિંગ પ્રક્રિયા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને કેસની સુનાવણી માટે 8 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો. ખંડપીઠે કહ્યું, ‘કાઉન્સેલિંગ શરૂ થવા દો, અમે કાઉન્સેલિંગ બંધ નથી કરી રહ્યા.’
NEETExamResults : સુપ્રીમે NTA ને નોટીશ પાઠવી જવાબ આપવા કર્યો નિર્દેશ
બેન્ચે પરીક્ષાની માંગણી કરતી અરજીઓ પર NTAને નોટિસ જારી કરી હતી. કોર્ટે કહ્યું કે પરીક્ષાની અખંડિતતાને અસર થઈ છે, તેથી NTAએ જવાબ આપવાની જરૂર છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS અને આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલતે શિવાંગી મિશ્રા અને અન્ય દ્વારા દાખલ કરાયેલી અરજીને પેન્ડિંગ પિટિશન સાથે જોડી દીધી હતી અને NTAને આ દરમિયાન તેનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે NEET-UG, 2024 ગેરરીતિઓથી ભરપૂર છે, કારણ કે પેપર લીકના વિવિધ કેસો અરજદારોના ધ્યાન પર આવ્યા છે.
NEETExamResults : પરિણામ પરત ખેંચવા અને પુન:પરીક્ષાની માંગ
પરિણામ જાહેર થયા બાદ કેટલાય દિવસોથી દેશના ખૂણે-ખૂણે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પિટિશનમાં પરિણામ પાછું ખેંચવાની અને પુનઃ પરીક્ષા લેવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે પરીક્ષાના પરિણામોમાં ગોટાળાની તપાસની માંગ પણ કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે NTAએ મનસ્વી ગ્રેસ માર્ક આપ્યા છે. આશંકા વ્યક્ત કરતા, અરજદારે કહ્યું કે હકીકત એ સામે આવી છે કે એક ચોક્કસ કેન્દ્ર પર પરીક્ષા આપી રહેલા 67 વિદ્યાર્થીઓને 720 સુધીના સંપૂર્ણ માર્કસ આપવામાં આવ્યા હતા. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે NEETની પરીક્ષા 5 મેના રોજ યોજાઈ હતી અને ત્યારથી ઘણી ફરિયાદો સામે આવી છે જેમાં પેપર લીક થયાની વાત કરવામાં આવી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરોયુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરોગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરોરોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો