Monsoon Update: ગુજરાતમાં ચોમાસાની સક્રિય સિસ્ટમો વચ્ચે મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના દક્ષિણ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતા ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે.

Monsoon Update: છેલ્લા 24 કલાકમાં વરસાદ અને તાપમાનની સ્થિતિ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડા અને માતરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. ગત સાંજે અમદાવાદના એસ.જી. હાઈવે, ગોતા, ચાંદલોડિયા અને થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં 13 મિમી સુધીનો વરસાદ નોંધાયાના અહેવાલ છે, જેમાં વિશેષ કરીને નવસારી, વલસાડ અને ડાંગમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
વરસાદની સાથેસાથે રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં 1°C થી 2.5°C સુધીનો વધારો નોંધાયો છે. 15 ઓગસ્ટે 33.7°C તાપમાન સાથે અમદાવાદ સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. અન્ય શહેરોમાં સુરતમાં 30.7°C, દમણમાં 31.6°C, સુરેન્દ્રનગરમાં 33.5°C, રાજકોટમાં 32.8°C અને ભાવનગરમાં 33.2°C મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકા 30.2°C સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું.
Monsoon Update: દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારા વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ હોવાથી અને વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ વિશેષ સાવચેતી રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત કુલ 6 હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
Monsoon Update: ડેમો અને જળાશયોમાં પાણીની આવક વધી
સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધતી જોવા મળી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 87.40% (2,91,970 mcft) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. ડેમમાં 39,163 ક્યુસેક પાણીની આવક સામે 9,611 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના 65.53% પાણીનો સંગ્રહ થયો છે. હાલ રાજ્યના 26 ડેમ સંપૂર્ણપણે 100% ભરાઈને ઓવરફ્લો થયા છે, જ્યારે પાણીની આવક વધતાં 41 ડેમ ‘હાઈ એલર્ટ’, 4 ડેમ ‘એલર્ટ’ અને 12 ડેમ ‘વોર્નિંગ’ સિગ્નલ હેઠળ રાખવામાં આવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

