Middle East Crisis: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. લેબેનોનમાં ઈઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ચાર લોકોના મોત થયા બાદ, સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયલ અને લેબેનોન સરકાર વચ્ચેના નવા યુદ્ધવિરામ (સીઝફાયર) પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. બંને પક્ષો વચ્ચે ફરી શરૂ થયેલી ભીષણ લડાઈના કારણે આ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

Middle East Crisis: નવા સીઝફાયર પ્રસ્તાવને હિઝબુલ્લાહે ‘અપમાનજનક’ ગણાવ્યો
હિઝબુલ્લાહના પ્રમુખ નઈમ કાસિમે ટીવી પર સંબોધન કરતા નવા પ્રસ્તાવને નકામો અને અપમાનજનક ગણાવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત દક્ષિણ લેબેનોનમાંથી હિઝબુલ્લાહના લડવૈયાઓને હટાવવાની વાત હતી, જેને કાસિમે દુશ્મન સામે હાર માની લેવા સમાન ગણાવી છે.
Middle East Crisis: હિઝબુલ્લાહની મુખ્ય શરતો:
- ઈઝરાયલના હુમલા તાત્કાલિક રોકવામાં આવે.
- કાયમી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે.
- લેબેનોન સરહદમાંથી ઈઝરાયલી સેના સંપૂર્ણપણે બહાર નીકળે.
કાસિમે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, “જ્યાં સુધી અમારા ગામો સુરક્ષિત નહીં થાય અને સામાન્ય લોકોના મોત થતા રહેશે, ત્યાં સુધી ઉત્તરી ઈઝરાયલ પણ ક્યારેય શાંતિથી જીવી શકશે નહીં.”
Middle East Crisis: નેતન્યાહૂની બેઠક દરમિયાન વાગ્યા સાયરન, પીએમનો આબાદ બચાવ
સ્થાનિક અહેવાલો અનુસાર, ઈઝરાયલના હુમલામાં 4 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. આ સિવાય બંને તરફથી થયેલા ગોળીબારમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) શાંતિ મિશનના એક જવાન અને ઈઝરાયલના એક સૈનિકનું પણ મોત નીપજ્યું છે.
હિઝબુલ્લાહના પ્રમુખના નિવેદન બાદ ઉત્તરી ઈઝરાયલના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલાની આશંકાએ સાયરન વાગવા લાગ્યા હતા. આ સાયરન બરાબર એ જ સમયે વાગ્યા જ્યારે ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ સરહદી નગર શ્લોમીમાં મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. જોકે, પીએમ કાર્યાલયના જણાવ્યા અનુસાર, નેતન્યાહૂ સાયરન વાગવાની થોડી ક્ષણો પહેલાં જ ત્યાંથી નીકળી ગયા હોવાથી સુરક્ષિત બચી ગયા હતા.
Middle East Crisis: યુદ્ધમાં પ્રથમ વખત દક્ષિણ લેબેનોનમાંથી પાછી હટી ઈઝરાયલી સેના
લેબેનોનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, ભીષણ યુદ્ધનું કેન્દ્ર બનેલા દક્ષિણ લેબેનોનના દિબ્બીન ગામમાંથી ઈઝરાયલની સેના પાછી હટી ગઈ છે. આશરે ત્રણ મહિના પહેલા શરૂ થયેલા આ યુદ્ધમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ઈઝરાયલની સેના કોઈ વિસ્તારમાંથી પાછળ હટી હોય. હવે ત્યાં લેબેનોનની સેના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાંતિ સૈનિકો સાથે સુરક્ષા માટે તૈનાત થઈ ગઈ છે.
જોકે, ઈઝરાયલના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ જામિરે સ્વીકાર્યું છે કે સતત ચાલતા યુદ્ધના લીધે ઉત્તરી ઈઝરાયલના શહેરો પર ઘણું દબાણ છે, પરંતુ અમારા હુમલાઓએ ઈરાન અને હિઝબુલ્લાહની શક્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
Middle East Crisis: વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ અને નેતન્યાહૂ-ટ્રમ્પનું વલણ
- વૈશ્વિક અર્થતંત્ર પર અસર: આ સંઘર્ષના કારણે ઓઇલ અને ગેસ પરિવહન માટે અત્યંત મહત્વની ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ને ફરીથી ખોલવાના પ્રયાસો ખોરંભાયા છે, જેનાથી વૈશ્વિક બજાર પર દબાણ વધ્યું છે. ઈરાનની માંગ છે કે કોઈપણ કાયમી સીઝફાયરમાં લેબેનોનનો સમાવેશ થવો જ જોઈએ.
- બેન્જામીન નેતન્યાહૂ: ચાલુ વર્ષે ચૂંટણીનો સામનો કરી રહેલા નેતન્યાહૂએ દાવો કર્યો છે કે, જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો સંપૂર્ણપણે ખતમ નહીં થાય ત્યાં સુધી સૈન્ય અભિયાન ચાલુ રહેશે.
- ડોનાલ્ડ ટ્રમ્પ: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયરની નિષ્ફળતા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે, “મિડલ ઇસ્ટમાં સીઝફાયરનો સીધો મતલબ એ જ છે કે ગોળીબાર પહેલાં કરતાં થોડો ઓછો થઈ જાય.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




