Massive Drug Seizure in Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. CTM એક્સપ્રેસ હાઈવે પર આવેલા ટોલનાકા નજીકથી પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત ₹25 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે. આ જથ્થો ગુજરાતનાં અલગ-અલગ સ્થળોએ પહોંચાડવાનો હતો કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Massive Drug Seizure in Ahmedabad: બે પ્રકારનાં ડ્રગ્સનો જથ્થો જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,497.490 ગ્રામ મેફેડ્રોન (MD) અને 4,531.220 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આપેલી વિગતો અનુસાર, મેફેડ્રોનની કિંમત આશરે ₹1.2 કરોડ પ્રતિ કિલો અને હેરોઈનની કિંમત આશરે ₹5 કરોડ પ્રતિ કિલો ગણવામાં આવી છે. આ જથ્થાની હેરફેર પાછળનું નેટવર્ક, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં કોને પહોંચાડવાનું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
Massive Drug Seizure in Ahmedabad: ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં 44 વર્ષીય તિફેલ નોખેજનો સમાવેશ થાય છે, જે નવી દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તેની સામે અગાઉ હેરોઈનની દાણચોરી સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાનો રેકોર્ડ હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે. વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઈન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઈનની દાણચોરીના કેસમાં પાયલોટિંગની ભૂમિકા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજો આરોપી 38 વર્ષીય મોહમ્મદ ઈમરાન અલ્વી છે, જે ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. તેની સામે છેડતી, માનવ તસ્કરી અને છેતરપિંડી સહિતના ગુનાઓમાં સંડોવણી હોવાનો આરોપ છે.
ત્રીજો આરોપી 59 વર્ષીય કફીલ અહેમદ છે, જે નવી દિલ્હીનો રહેવાસી હોવાનું જણાવાયું છે. તેના ગુનાહિત ઇતિહાસમાં જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પ્રાઝોલમ સાથે પકડાવાની ઘટનાઓનો ઉલ્લેખ છે.

Massive Drug Seizure in Ahmedabad: આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની તપાસ તેજ
આ કાર્યવાહી બાદ રામોલ પોલીસ સ્ટેશનની હદ સાથે જોડાયેલા વિસ્તારમાં ડ્રગ્સની હેરફેરના નેટવર્ક અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ત્રણેય આરોપીઓની પૂછપરછ દ્વારા ડ્રગ્સના સપ્લાયર્સ, ખરીદદારો અને અન્ય સંભવિત સાગરીતો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો કયા માર્ગે લાવવામાં આવ્યો હતો અને રાજ્યના કયા વિસ્તારોમાં તેનું વિતરણ થવાનું હતું તે તપાસના મુખ્ય મુદ્દા છે. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસ સમગ્ર નેટવર્કની કડીઓ મેળવવા તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :ગુજરાત કેબિનેટના મોટા નિર્ણયો, સોલાર સબસિડીમાં વધારાથી ગ્રામસેવકોના ભથ્થા સુધી અનેક જાહેરાતો

