
Valentine Special & married life: ફ્રેબુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો, પોતાની લાગણીઓ બતાવવાના દિવસો છે… આ દિવસો ફક્ત પ્રેમી-યુગલો પૂરતો જ નથી પણ એવા લોકો માટે પણ જે વર્ષોથી પોતાના સંબધોમાં એકબીજાને હૂંફ આપે છે. આજે આપણે વાત કરીશું લગ્નજીવનમાં આપ પ્રેમ-કાળજી અને સંબધોને કેવી રીતે મજબૂત રાખશો..
દુનિયામાં સૌથી વધુ જોક્સ પતિ-પત્ની પર લખાયા, બોલાયા અને કહેવાયા છે. લોકોને આવા જોક્સ પસંદ પણ હોય છે, એનું કારણ એ છે કે બધા જ તેની સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કનેક્ટ હોય છે. પોતાની જિંદગીમાં જોક જેવું કંઈ બન્યું ન હોય તો પણ આવા જોક્સ પર મજા લઈને હશે છે..!

Married life: ઝઘડા સ્વસ્થ દાંપત્યની નિશાની
વાત કરીએ કપલ વચ્ચેના ઝગડાની… આમ તો પતિ-પત્નીના ઝઘડા વિશે એવું જ કહેવાતું આવ્યું છે કે, ઝઘડા એ તો સ્વસ્થ દાંપત્યની નિશાની છે. કપલ વચ્ચે ઝઘડા તો થવાના જ છે. ઝઘડા ક્યારે ન થાય? જો બંનેને એકબીજામાંથી રસ ઊડી જાય અને એવું વિચારવા લાગે કે, ‘એને જે કરવું હોય એ કરે, મને કોઈ ફેર પડતો નથી.’ (Valentine Special)
શરૂઆત કરીએ એક વાતથી, એક કપલની જેમનું લગ્નજીવન (married life) અડધી સદી વટાવી ગયું અને પરિવારના એક સભ્યએ તેમને પૂછ્યું, તમારા સફળ લગ્નજીવનનો રાઝ શું છે? ત્યારે પતિએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો;
“જ્યારે એ ગુસ્સે થતી ત્યારે હું ચૂપ થઇ જતો હતો અને જ્યારે હું ગુસ્સે થતો ત્યારે એ ચૂપ થઇ જતી હતી.”
પરિવારના સભ્યએ બીજો સવાલ કર્યો, પણ તમે ગુસ્સે કયા કારણે થતાં હતાં? પત્નીએ કહ્યું;
“એનું તો લાંબું લિસ્ટ છે. ઘણી વખત તો ગુસ્સે થઇ ગયા પછી એ પણ ભુલાઇ જતું હતું કે, આખરે હું ગુસ્સે શા માટે થઇ હતી? સાવ નાખી દીધા જેવી વાતોમાં બબાલો – મહાભારત થઇ જાય છે.”

હવે એક બીજા કપલની વાત કરીએ : પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો… 2 દિવસ બંને એક-બીજા સાથે બોલ્યા નહીં.
અબોલાના બે દિવસ પછી પત્નીને વિચાર આવ્યો કે; ‘ઝઘડો કયા મામલે થયો હતો?’ એને ઝગડાનું કારણ જ યાદ નહોતું.
જ્યા પ્રેમ હોય ત્યાં સમયાંતરે માથાકૂટ થતી જ રહેવાની છે. વડીલો કહી ગયા છે કે; પતિ-પત્નીના ઝઘડામાં ક્યારેય માથું મરવું નહિ, કેમ કે બંને ક્યારે ભેગાં થઇ જાય એનું કંઈ નક્કી હોતું નથી.
કેટલાય એવા પતિ-પત્ની જે વારંવાર ઝઘડતાં હોય એવામાં જો કોઈ ઓચિંતું આવી જાય તો કહે…. અમારે તો આવું ચાલતું રહેતું હોય છે.

Valentine Special: દો અનજાને અજનબી
બે અલગ-અલગ વ્યક્તિ પ્રભુતામાં પગલાં માંડે છે. જેને પહેલાં ઓળખતા ન હોય, જોયા ન હોય એવી વ્યક્તિને પોતાના સમજી અને સ્વીકારી લે છે. બંને અલગ-અલગ માહોલમાંથી આવે, તેમ છતાં બંને સાથે મળીને સંસાર માંડે છે અને સરસ રીતે ચલાવે પણ છે. ડિવૉર્સની વાતો ભલે બહુ થતી હોય પણ હજી આપણે ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાની માનસિકતા કંઈ ઓછી નથી.
મારા લમણે તું જ લખાઇ હતી એવું બોલી બોલીને પણ સાથે રહેનારાં કપલ ઠેરઠેર તેમને જોવાશે. એવા કેટલાય કિસ્સા છે જેમાં સવારે જોરદાર ઝગડ્યા હોય અને તેમણે જ તમે સાંજે સાથે લટાર મારતા પણ જોશો.

પતિ-પત્નીનું કોમ્બિનેશન જ ગજબનું હોય છે. Marriages Are Made in Heaven ‘લગ્ન તો સ્વર્ગમાં નક્કી થાય છે’ બધું ઉપરવાળા પહેલેથી જ લખેલું હોય છે કે તમારે કોના લમણા લેવાના છે.
નવા પરણેલા કપલને એક સંતે આશીર્વાદ આપ્યા હતા કે, ‘એક આગ થાય ત્યારે બીજો પાણી થજો!’ આવું કહીને સંતે સુખી દાંપત્યની જડીબુટ્ટી આપી.
દેવાધિદેવ મહાદેવ પણ પત્નીને ખુશ રાખવા હાર માની લેતા
નોર્થ ચાઇના યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, Married life માં પત્ની ખુશ હોય તો લગ્નજીવન (married life) પણ ખુશ અને સુખી રહે છે. મોટા ભાગના પુરુષો પોતાની પત્નીને ખુશ રાખવાના પ્રયાસ પણ કરતા જ હોય છે.

આપણા ભોલેનાથ પણ ચોસર રમવામાં માતા પાર્વતીથી જાણી-જોઈને હારી જતા…. જો દેવાધિદેવ મહાદેવ અર્ધાગની (પત્ની)ને ખુશ રાખવા, ચેહરા પર સ્મિત જોવા હાર માની લેતા હોય તો આપણે વળી કઈ મોટી તોપ છીએ. પત્નીના ચહેરા પરની ખુશી પતિને આનંદ જ આપશે.
Married life માં પત્નીના મૂડને સમજો
એક વાત એ પણ છે કે સામાન્ય સંજોગોમાં પુરુષની સરખામણીના સ્ત્રીઓમાં હોર્મોનલ બદલાવ વધુ આવતા રહે છે. દર મહિને માસિક દરમિયાન મૂડ ચેન્જ થાય છે. એ સિવાય ઉંમરના જુદા જુદા તબક્કે પરિવર્તનો આવતાં રહે છે. જો પુરુષ જિંદગીની કેટલીક નાજુક પળોને સાચવી લે તો દાંપત્યજીવન (Married life) માં કોઈ વાંધો આવતો નથી.

આજના મોર્ડન સમયમાં સ્ત્રીઓ પણ આર્થિક જવાબદારી સંભાળતી થઇ છે, એટલે કે તેમની જવાબદારી વધી જ છે. તો તે પોતાના પાર્ટનરથી એટલી તો અપેક્ષા રાખે કે, તેનો પતિ તેની કેર કરે, પેમ્પર કરે અને તેનાં વખાણ કરે. નાની-નાની વાતોમાં સ્ત્રી રાજી અને ખુશ થઈ જાય છે. દરેક વખતે મોટાં પ્લાનિંગ કરવાની જરૂર નથી હોતી.

દરેકમાં માઇનસ પોઇન્ટ્સ અને પ્લસ પોઇન્ટ્સ
કોઇ માણસ સંપૂર્ણ નથી હોતો, દરેકમાં કેટલાંક માઇનસ પોઇન્ટ્સ હોય જ છે. પ્લસ પોઇન્ટ્સ પણ ઓછા નથી હોતા. આપણે આપણી વ્યક્તિમાં શું શોધીએ છીએ અને તેમનામાં શું દેખાય છે -એ મહત્ત્વનું છે. ખામીઓ શોધશો તો ખામીઓ જ દેખાશે. ખૂબીઓ શોધશો તો ખૂબી જ દેખાશે.

હેપી લાઇફનો સરળ ફોર્મ્યુલા: જતું કરો… અને ભૂલી જાવ
હેપી લાઇફની બીજી એક ફોર્મ્યુલા બધાએ યાદ રાખવા જેવી છે. જતું કરવું અને ભૂલી જવું. આપણે નથી જતું કરતા કે નથી ભૂલતા. બેમાંથી એકથી કોઇ ભૂલ થઇ ગઇ હોય તો એને યાદ રાખીને સમયે સમયે ટોન્ટ મારવાનું પણ નથી ભૂલતા…

ઘાને ખોદતા રહીશું તો તેના પર ક્યારેય રૂઝ આવવાની નથી. મોટા ભાગે જ્યાં પ્રેમ કરવાનો હોય એ જ સ્થળે કપલ્સ ઝઘડતાં હોય છે.

અભિનેતા શશી કપૂરે એક ઇન્ટરવ્યૂમાં પોતાના દાંપત્ય (married life) વિશે સરસ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મેં અને જેનીફરે (શશી કપૂરના પત્ની) લગ્ન કરતી વખતે નક્કી કર્યું હતું કે; કોઇ મુદ્દે મતભેદ, ગમે તે કારણે ઝઘડો થાય, ગમે એવી સ્થિતિ કે સંજોગો સર્જાય, આપણે બંને ક્યારેય એકબીજાથી મોઢું ફેરવીને નહીં સૂઇએ. આવું તેમને માત્ર નક્કી જ નહોતું કર્યું, પણ તેમણે તે આખી જિંદગી નિભાવ્યું.

શબ્દોની આપ-લે કરો… ફોનને સાઇડમાં મૂકીને વાત-સંવાદ કરો
પ્રેમ કે મેરેજ વખતે આપણે વાતો તો સારી સારી કરતાં હોઇએ છીએ પણ પછી એ ભુલાઇ જતી હોય છે. આજનાં કપલ્સની સૌથી મોટી ફરિયાદ એ પણ છે કે, મારી વ્યક્તિ મને સમય જ નથી આપતી, મારી વાતોમાં એનું ધ્યાન જ નથી હોતું, મોબાઇલ લઇને જ બેસી રહે છે! સુખી દાંપત્ય માટે પોતાની વ્યક્તિને સાંભળો અને સંવાદને સજીવન રાખો. યાદ રાખો, ઘરમાં સુખ અને શાંતિ નહીં હોય તો એ બીજે ક્યાંય મળવાની નથી..!
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने