Major Boost for Salaried Class: દેશના નોકરિયાત વર્ગ માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) અને એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ ફરજિયાત કવરેજ માટેની બેઝિક સેલરી લિમિટ વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ મર્યાદા ₹15,000 પ્રતિ માસ હતી, જે છેલ્લે વર્ષ 2014માં સુધારવામાં આવી હતી. આશરે ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ આ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેનાથી દેશભરના લાખો શ્રમિકો અને મધ્યમવર્ગીય કર્મચારીઓને નિવૃત્તિ સુરક્ષાનો લાભ મળશે.

કેબિનેટ બેઠક બાદ પત્રકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સુધારાને કારણે દેશના આશરે 51 લાખથી વધુ નવા કર્મચારીઓ સીધા PF બચત અને પેન્શન યોજનાના દાયરામાં આવી જશે. હવે કંપનીઓ માટે ₹25,000 સુધીનો બેઝિક પગાર ધરાવતા તમામ કર્મચારીઓને EPFમાં સામેલ કરવા કાયદાકીય રીતે ફરજિયાત બનશે.
Major Boost for Salaried Class: બદલાયેલા નિયમનો સરળ ભાષામાં અર્થ
નવા આદેશ મુજબ, જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ રકમ ₹25,000 કે તેથી ઓછી હોય, તો એમ્પ્લોયર (કંપની) માટે તે કર્મચારીનું PF ખાતું ખોલાવવું અને કપાત કરવી ફરજિયાત બની જાય છે. અગાઉ ₹15,000થી વધુ બેઝિક સેલરી હોય તો PF કાપવું કે ન કાપવું તે કર્મચારી અને કંપનીની મરજી પર નિર્ભર કરતું હતું, જેના કારણે અનેક કર્મચારીઓ નિવૃત્તિ ફંડથી વંચિત રહી જતા હતા. જોકે, આ મર્યાદા સંપૂર્ણ CTC અથવા ગ્રોસ પગાર પર લાગુ પડતી નથી, પરંતુ ફક્ત બેઝિક પગાર + DAના આધારે ગણવામાં આવે છે.
Major Boost for Salaried Class: ગણતરી અને નિયમોના વિવિધ પાસાં
આ ફેરફાર અલગ-અલગ પરિસ્થિતિઓમાં કેવી રીતે લાગુ પડશે તે નીચે મુજબ છે:
- મર્યાદાની અંદરનો પગાર: જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર + DA ₹12,000 હોય, તો કંપની માટે તેને EPFમાં સામેલ કરવો ફરજિયાત છે. કર્મચારીનું 12% લેખે ₹1,440 કપાશે અને કંપની પણ એટલું જ યોગદાન આપશે.
- બરાબર મર્યાદા પર પગાર: જો કોઈ કર્મચારીનો મૂળ પગાર + DA બરાબર ₹25,000 હોય, તો તેનું EPF ફરજિયાત બનશે. કર્મચારીના ખાતામાંથી 12% મુજબ ₹3,000 કપાશે અને કંપની પણ તેટલું જ યોગદાન જમા કરાવશે.
- નવા કર્મચારી માટે મર્યાદાથી વધુ પગાર: જો કોઈ કર્મચારી પ્રથમ વખત નોકરીમાં જોડાય અને તેનો બેઝિક + DA ₹40,000 હોય અને તે અગાઉ ક્યારેય EPF સભ્ય ન રહ્યો હોય, તો તેના માટે કવરેજ વૈકલ્પિક રહેશે. જો કંપની અને કર્મચારી સહમત થાય, તો ફરજિયાત ગણતરી લિમિટ ₹25,000 પર ₹3,000 કપાશે, અથવા બંનેની સંમતિથી સંપૂર્ણ ₹40,000 પર 12% (₹4,800) સ્વૈચ્છિક રીતે કપાવી શકાશે.
- પહેલેથી સભ્ય હોય તેવા કર્મચારી: જો કોઈ કર્મચારી અગાઉ ₹12,000ના પગારે જોડાયો હોય અને પ્રમોશન બાદ તેનો પગાર ₹50,000 થઈ ગયો હોય, તો પણ તેનું PF ખાતું ચાલુ જ રહેશે, કારણ કે એકવાર સભ્ય બન્યા પછી તે ચાલુ રહે છે. જોકે, કંપની તરફથી ફરજિયાત યોગદાન ₹25,000ની મર્યાદા મુજબ ₹3,000 જ રહેશે, વધારાનું યોગદાન કંપનીની આંતરિક નીતિ પર નિર્ભર રહેશે.
નવા નિર્ણયથી કર્મચારીઓની માસિક બચતમાં વધારો થશે, લાંબા ગાળે નિવૃત્તિ સમયે વ્યાજ સાથે મોટું ભંડોળ મળશે અને પેન્શન કવરેજ પણ વધુ સુદ્રઢ બનશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

